<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

સુપ્રીમ કોર્ટનો ઉત્તરાખંડ સરકારને વેધક સવાલ: '23 વર્ષ સુધી શું કુંભકર્ણની નિદ્રામાં હતા? હવે જાગ્યા!', વન જમીન હડપનારા સામે લાલ આંખ

CJI સૂર્યકાંતની બેન્ચે અધિકારીઓ અને અતિક્રમણકારોની સાંઠગાંઠ પર વ્યક્ત કર્યો સખત રોષ; બે અઠવાડિયામાં સોગંદનામું રજૂ કરવા આદેશ

નવી દિલ્હી: ઉત્તરાખંડમાં હજારો હેક્ટર જંગલની જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર અતિક્રમણ અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા પર સુપ્રીમ કોર્ટે સોમવારે આકરા પ્રહારો કર્યા છે. વર્ષ 2000 માં રાજ્યની રચના થઈ ત્યારથી અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી ન થવા બદલ સર્વોચ્ચ અદાલતે સરકારને ફટકાર લગાવતા પૂછ્યું કે, "શું તમે 23 વર્ષ પછી જાગ્યા છો?" અદાલતે સ્પષ્ટ કર્યું કે આ ગંભીર બેદરકારી માટે કારોબારી પદ પર બેઠેલી દરેક વ્યક્તિ જવાબદાર ગણાશે.

'તમારી લાચારી આઘાતજનક છે'

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે તપાસ સમિતિના વચગાળાના અહેવાલનો અભ્યાસ કર્યા બાદ જણાવ્યું કે, રાજ્ય તંત્ર જમીનનું રક્ષણ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું છે. જ્યારે સરકારી વકીલે દલીલ કરી કે હાઈકોર્ટના સ્ટે ઓર્ડરને કારણે કાર્યવાહી અટકી હતી, ત્યારે CJI એ વળતો પ્રહાર કરતા કહ્યું કે, "તમારો જવાબ રાજ્ય સરકાર તરીકેની લાચારી દર્શાવે છે. તમે લોકોને પેઢીઓ સુધી ત્યાં રહેવા દીધા અને હવે કોર્ટના આદેશ પાછળ છુપાવા માંગો છો."

અધિકારીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠની આશંકા

સુપ્રીમ કોર્ટે આશંકા વ્યક્ત કરી છે કે જંગલની જમીન હડપ કરનારા તત્વોને મોટા રાજકારણીઓ અથવા પ્રભાવશાળી અધિકારીઓનું રક્ષણ મળી રહ્યું છે. કોર્ટે કહ્યું, "ભગવાન જાણે છે કે આ અતિક્રમણ કરનારા કોણ છે અને તેમની કોની સાથે મિલીભગત છે. અમે દરેક જવાબદાર અધિકારીને કાયદાના કઠેડામાં લાવીશું." કોર્ટે રાજ્ય સરકારને બે અઠવાડિયામાં વિગતવાર સોગંદનામું દાખલ કરી અતિક્રમણ કરાયેલી જમીન અને લોકોની ચોક્કસ સૂચિ રજૂ કરવા આદેશ આપ્યો છે.

બાંધકામ અને જમીન સ્થાનાંતરિત કરવા પર સખત મનાઈ

આ કેસ મુખ્યત્વે ઋષિકેશની આશરે 2,866 એકર જમીન સાથે જોડાયેલો છે, જે દાયકાઓથી ગેરકાયદેસર કબજા હેઠળ છે. અગાઉ 22 ડિસેમ્બરે આપેલા આદેશ મુજબ, કોર્ટે ફરી પુનરોચ્ચાર કર્યો છે કે વિવાદિત જમીન પર કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ કરી શકાશે નહીં, તેમજ આ જમીન કોઈ ત્રીજી વ્યક્તિને સ્થાનાંતરિત પણ કરી શકાશે નહીં.

ઉત્તર પ્રદેશ પાસે દસ્તાવેજોની માંગ

રાજ્ય સરકારે દલીલ કરી હતી કે ઘણા દસ્તાવેજો 1950 થી જૂના છે, જે મેળવવા માટે તેમણે ઉત્તર પ્રદેશ સરકારને પત્ર લખ્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે તે સરકારના ભૂતકાળના વર્તન પરથી તેની ગંભીરતા નક્કી કરશે અને જો જરૂર જણાશે તો અતિક્રમણકારો અને તેમના સમર્થકોને શોધવા માટે ઊંડાણપૂર્વકની તપાસના આદેશ પણ આપવામાં આવશે.

(6:06 PM IST)