<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

બંગાળ પોલીસના 'બોસ' કોણ? મમતા સરકાર અને UPSC વચ્ચે જંગ જામ્યો, DGPની નિમણૂક પર લાગ્યું 'રેડ સિગ્નલ'

UPSCએ આઈપીએસ અધિકારીઓની પેનલ ફગાવી; સુપ્રીમ કોર્ટના શરણે જવા સિવાય મમતા બેનર્જી પાસે કોઈ વિકલ્પ નહીં, જાણો શું છે સમગ્ર વિવાદ

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં પોલીસ મહાનિર્દેશક (DGP) પદ માટેની લડાઈ હવે કોલકાતાથી દિલ્હી સુધી પહોંચી છે. વર્તમાન DGP રાજીવ કુમાર આગામી 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે, પરંતુ તેમના સ્થાને કોણ આવશે તે અંગે મોટો કાનૂની ગૂંચવાડો ઊભો થયો છે. UPSC (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) એ મમતા સરકાર દ્વારા મોકલવામાં આવેલી IPS અધિકારીઓની યાદીને પરત કરી દીધી છે, જેનાથી રાજ્યના વહીવટી વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

નિયમોની અવગણના મમતા સરકારને ભારે પડી

આ વિવાદનું મુખ્ય કારણ 2018માં સુપ્રીમ કોર્ટે આપેલી માર્ગદર્શિકા છે. કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે કોઈ પણ રાજ્ય 'કાર્યકારી' (Acting) DGP ની નિમણૂક કરી શકશે નહીં. જ્યારે મનોજ માલવિયા નિવૃત્ત થયા, ત્યારે મમતા સરકારે રાજીવ કુમારને કાયમી નિમણૂક આપવાને બદલે 'કાર્યકારી DGP' તરીકે બેસાડી દીધા હતા. UPSC એ આ પ્રક્રિયાને નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. કમિશનના મતે, સરકારે નિવૃત્તિના ત્રણ મહિના પહેલા પેનલ મોકલવી જોઈતી હતી, જે કરવામાં સરકાર નિષ્ફળ રહી છે.

UPSC નો આકરો વલણ: 'હવે સીધા સુપ્રીમ કોર્ટ જાવ'

UPSC ના ડિરેક્ટર નંદ કિશોર કુમારે બંગાળના મુખ્ય સચિવ નંદિની ચક્રવર્તીને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે કમિશન હવે આ યાદી પર વિચાર કરશે નહીં. UPSC એ સરકારને સલાહ આપી છે કે જો તેઓ આ ગૂંચ ઉકેલવા માંગતા હોય, તો તેમણે સુપ્રીમ કોર્ટની વિશેષ પરવાનગી લેવી પડશે. એટર્ની જનરલે પણ UPSC ના આ વલણને સમર્થન આપ્યું છે, જે મમતા બેનર્જી માટે એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવે છે.

31 જાન્યુઆરી સુધીનો ડેડલાઇન

પશ્ચિમ બંગાળ પોલીસ વિભાગમાં હવે નેતૃત્વનું સંકટ ઊભું થવાની સંભાવના છે. જો 31 જાન્યુઆરી સુધીમાં નવો ચહેરો નક્કી નહીં થાય, તો રાજ્યની સુરક્ષા વ્યવસ્થાના સર્વોચ્ચ પદ પર ખાલીપો સર્જાઈ શકે છે. હવે સૌની નજર મમતા સરકાર પર છે કે તેઓ કેટલી ઝડપથી સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે છે.

કેમ મહત્વનું છે આ પદ?

DGP નું પદ રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સર્વોપરી છે. બંગાળમાં અવારનવાર થતી રાજકીય હિંસા અને આગામી ચૂંટણીઓના સંદર્ભમાં, આ પદ પર કોણ બેસશે તે મમતા સરકાર અને વિરોધ પક્ષો બંને માટે અત્યંત મહત્વનું છે. UPSC અને કેન્દ્ર સરકારના કડક વલણથી મમતા બેનર્જીની મુશ્કેલીઓ ચોક્કસપણે વધી ગઈ છે.

 

(6:24 PM IST)