<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th January 2026

દુનિયા પર 'ગેરિલા વોર'નું સંકટ? કોલંબિયાના રાષ્ટ્રપતિએ ડોનાલ્ડ ટ્રમ્પને લલકાર્યા- "હિંમત હોય તો મને પકડી બતાવો, હું તૈયાર છું"

વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ કોલંબિયા લાલચોળ; પૂર્વ ગેરિલા નેતા ગુસ્તાવો પેટ્રોએ અમેરિકાને આપી સશસ્ત્ર ક્રાંતિની ચેતવણી, જગુઆર જેવો ફાટી નીકળશે લોકરોષ

નવી દિલ્હી: અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ લેટિન અમેરિકામાં રાજકીય ધરતીકંપ આવ્યો છે. હવે કોલંબિયા અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. કોલંબિયાના રાષ્ટ્રપતિ ગુસ્તાવો પેટ્રોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને સીધો પડકાર ફેંકતા કહ્યું છે કે, "આવો અને મને પકડો, હું અહીં જ તમારી રાહ જોઈ રહ્યો છું."
રાષ્ટ્રપતિ પેટ્રો, જેઓ પોતે ભૂતકાળમાં ડાબેરી ગેરિલા લડવૈયા રહી ચૂક્યા છે, તેમણે અમેરિકાને ગંભીર ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો અમેરિકા કોલંબિયામાં પગ મૂકશે અથવા તેની લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકાર પર હુમલો કરશે, તો દેશના ખેડૂતો અને સામાન્ય જનતા ફરીથી શસ્ત્રો ઉઠાવશે. આક્રમણની સ્થિતિમાં પર્વતીય વિસ્તારોમાં 'ગેરિલા વોર' (છાપમાર યુદ્ધ) શરૂ થશે, જે અમેરિકા માટે કાબૂમાં લેવું મુશ્કેલ બની જશે. તેમણે જનતાના ગુસ્સાની સરખામણી 'જગુઆર' સાથે કરતા કહ્યું કે આ ક્રોધ અમેરિકાને દઝાડશે.
: બંને દેશો વચ્ચે તણાવ ત્યારે વધુ વધ્યો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કોલંબિયાના રાષ્ટ્રપતિને 'બીમાર માણસ' કહ્યા અને આક્ષેપ કર્યો કે તેઓ અમેરિકામાં કોકેન મોકલી રહ્યા છે. ટ્રમ્પે કોલંબિયા સામે સૈન્ય કાર્યવાહી કરવાની પણ તરફેણ કરી છે. બીજી તરફ, ઓક્ટોબરમાં ટ્રમ્પે ડ્રગ હેરફેરના આરોપસર પેટ્રો અને તેમના પરિવાર પર કડક પ્રતિબંધો લાદ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોલંબિયા વિશ્વમાં કોકેનનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, જે બંને દેશો વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ છે.
 થોડા સમય પહેલા જ અમેરિકી સૈન્યએ એક ઓપરેશનમાં વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીની નાર્કો-આતંકવાદના આરોપ હેઠળ ધરપકડ કરી હતી. માદુરોએ પણ ટ્રમ્પને આવી જ રીતે પડકાર્યો હતો, જેનો અંજામ ધરપકડમાં આવ્યો. હવે એ જ માર્ગે કોલંબિયા પણ આગળ વધી રહ્યું હોય તેમ જણાય છે. કોલંબિયાના વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સંવાદ ઈચ્છે છે, પરંતુ કોઈ પણ પ્રકારની ધમકી કે બળપ્રયોગ સહન કરવામાં આવશે નહીં.

(8:46 PM IST)