News of Tuesday, 6th January 2026
ન્યૂયોર્ક કોર્ટમાં વ્હીલચેર અને પાટાપિંડી: અમેરિકી કસ્ટડીમાં વેનેઝુએલાની પૂર્વ ફર્સ્ટ લેડી સિલિયા ફ્લોરેસની દયનીય હાલત : પાંસળીઓમાં ફ્રેક્ચરની આશંકા
વેનેઝુએલાના પદભ્રષ્ટ શાસક નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારો અને ઓપરેશનની પદ્ધતિ પર સવાલો ઉભા થયા

ન્યૂયોર્ક: અમેરિકી વિશેષ દળો દ્વારા કારાકાસમાં કરવામાં આવેલા હાઈ-વોલ્ટેજ મિલિટરી ઓપરેશન 'એબ્સોલ્યુટ રિઝોલ્વ' દરમિયાન માત્ર સત્તાનું પરિવર્તન જ નથી થયું, પરંતુ હિંસક અથડામણના નિશાન પણ સામે આવ્યા છે. સોમવારે જ્યારે 69 વર્ષીય સિલિયા ફ્લોરેસને ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે તેમના કપાળ અને જમણી આંખ પર મોટા પાટા બાંધેલા હતા. તેમના વકીલ માર્ક ડોનેલીએ ન્યાયાધીશ એલ્વિન હેલરસ્ટીન સમક્ષ દાવો કર્યો હતો કે ધરપકડ દરમિયાન તેમને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે, જેમાં તેમની પાંસળીઓમાં ફ્રેક્ચર અને આખા શરીર પર ઉઝરડા હોવાની આશંકા છે.
કોર્ટમાં હાજર રહેલા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, સિલિયા ફ્લોરેસ અત્યંત નબળા દેખાતા હતા અને તેમને બચાવ પક્ષની ટેબલ સુધી પહોંચવા માટે પણ મદદની જરૂર પડી હતી. તેમના વકીલે કોર્ટ પાસે માંગ કરી છે કે તેમનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ અને એક્સ-રે કરાવવામાં આવે જેથી જેલના સત્તાવાળાઓ તેમની સારવાર કરી શકે. આ દરમિયાન માદુરોએ પણ કોર્ટમાં દાવો કર્યો કે તેમને તેમના ઘરેથી ગેરકાયદેસર રીતે 'અપહરણ' કરીને લાવવામાં આવ્યા છે. દંપતીએ ડ્રગ ટ્રાફિકિંગ અને કોકેઈનની હેરાફેરીના તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને પોતાને નિર્દોષ ગણાવ્યા છે.
યુએસ એટર્ની જનરલ પામ બોન્ડીના નિર્દેશ હેઠળ થયેલા આ ઓપરેશન બાદ હવે બંનેને બ્રુકલિનના કુખ્યાત 'મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર' (MDC) માં રાખવામાં આવ્યા છે. આ એ જ જેલ છે જ્યાં તાજેતરમાં સીન 'ડિડી' કોમ્બ્સ જેવા હાઈ-પ્રોફાઈલ કેદીઓને રાખવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, માદુરો અને સિલિયાને અલગ-અલગ ફ્લોર પર રાખવામાં આવ્યા છે, પરંતુ બંનેની કડક દેખરેખ રાખવામાં આવી રહી છે. જેલની સ્થિતિ અને ઈજાઓને લઈને બચાવ પક્ષે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જ્યારે ન્યાયાધીશે તેમને યોગ્ય તબીબી સારવાર આપવાનો આદેશ આપ્યો છે.
આ મામલે રાજકીય વિશ્લેષકોનું કહેવું છે કે સિલિયા ફ્લોરેસ માત્ર માદુરોની પત્ની જ નહીં, પરંતુ વેનેઝુએલાના સત્તા માળખામાં 'માસ્ટરમાઇન્ડ' ગણાતા હતા. ભૂતપૂર્વ ગુપ્તચર અધિકારીઓએ તેમને પડદા પાછળ રહીને શાસન ચલાવનાર શક્તિશાળી મહિલા તરીકે વર્ણવ્યા છે. હવે જ્યારે આ મામલો અમેરિકી કોર્ટમાં પહોંચ્યો છે, ત્યારે આગામી સુનાવણી 17 માર્ચના રોજ નક્કી કરવામાં આવી છે. આ કેસ માત્ર ડ્રગ્સનો નથી રહ્યો, પરંતુ હવે તે બે દેશો વચ્ચેના સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય કાયદાના જંગમાં ફેરવાઈ ગયો છે.
(10:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
