News of Tuesday, 6th January 2026
IRCTC કૌભાંડમાં તેજસ્વી યાદવની મુશ્કેલી વધી: દિલ્હી હાઈકોર્ટની CBIને નોટિસ : 14મીએ 'મહાસુનાવણી'
ટ્રાયલ કોર્ટના આરોપોને પડકારતી અરજી પર હાઈકોર્ટે તપાસ એજન્સીનો જવાબ માંગ્યો : પિતા લાલુ પ્રસાદ યાદવની અરજી સાથે જ તેજસ્વીના ભાવિનો પણ થશે ફેંસલો : કોર્ટે હાલ પૂરતો સ્ટે આપવાનો કર્યો ઇનકાર

નવી દિલ્હી: રેલવેમાં હોટલ મેન્ટેનન્સના કોન્ટ્રાક્ટ આપવાના બદલામાં જમીન અને શેરની લાંચ લેવાના ગંભીર આરોપો હેઠળ ઘેરાયેલા બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવને દિલ્હી હાઈકોર્ટ તરફથી હજુ સુધી કોઈ વચગાળાની રાહત મળી નથી. મંગળવારે જસ્ટિસ સ્વરણ કાંતા શર્માની બેન્ચે તેજસ્વીની અરજી પર સુનાવણી કરતા CBIને નોટિસ ફટકારી છે. તેજસ્વીએ રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને ગુનાહિત કાવતરાના આરોપો ઘડવાના આદેશને પડકાર્યો છે. કોર્ટે CBIને 14 જાન્યુઆરી સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ કેસમાં 14 જાન્યુઆરીનો દિવસ યાદવ પરિવાર માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે. તેજસ્વી યાદવ ઉપરાંત, તેમના પિતા અને આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પણ આવી જ અરજી દાખલ કરી છે. હાઈકોર્ટે બંને પિતા-પુત્રની અરજીઓને એકસાથે લિસ્ટ કરી છે. સોમવારે લાલુ યાદવની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે ટ્રાયલ પર સ્ટે મૂકવાની માંગને ફગાવી દીધી હતી અને ટિપ્પણી કરી હતી કે "અમે તપાસ એજન્સીનો પક્ષ સાંભળ્યા વગર સ્ટે આપી શકીએ નહીં."
સીબીઆઈની ચાર્જશીટ મુજબ, આ કૌભાંડ 2004 થી 2014 દરમિયાન આચરવામાં આવ્યું હતું. આરોપ છે કે લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલવે મંત્રી હતા ત્યારે તેમણે પટના અને પુરીમાં આવેલી BNR હોટલોને ખાનગી કંપની 'સુજાતા હોટેલ્સ'ને લીઝ પર આપવા માટે નિયમોમાં છેડછાડ કરી હતી. તેના બદલામાં લાલુના પરિવારના સભ્યોને અત્યંત ઓછી કિંમતે કિંમતી જમીન અને કંપનીના શેર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. ઓક્ટોબર 2025માં ટ્રાયલ કોર્ટે અવલોકન કર્યું હતું કે આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ "ગંભીર શંકા" જન્મે તેવા પુરાવાઓ મોજૂદ છે.
તેજસ્વી યાદવના વકીલો, કપિલ સિબ્બલ અને મનિન્દર સિંઘે દલીલ કરી હતી કે જ્યારે આ કથિત કૌભાંડ થયું ત્યારે તેજસ્વી ખૂબ જ નાની વયના હતા અને તેમની આ પ્રક્રિયામાં કોઈ સીધી ભૂમિકા નહોતી. જોકે, નીચલી કોર્ટે લાલુ પ્રસાદ, રાબડી દેવી અને તેજસ્વી સહિત 14 આરોપીઓ સામે છેતરપિંડી (IPC 420) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપો ઘડવાનો આદેશ આપ્યો હતો. હવે 14મી જાન્યુઆરીએ જોવાનું એ રહેશે કે હાઈકોર્ટ આ ટ્રાયલ પર રોક લગાવે છે કે પછી યાદવ પરિવારને કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવો પડશે.
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
