તા. ૨૨ ઓગસ્ટ ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ શ્રાવણ વદ – ૧૪ શુક્રવાર
News of Wednesday, 7th January 2026
ફિલિપાઇન્સમાં ૬.૭ની તીવ્રતાનો ભયંકર ભૂકંપ
સમુદ્રના પેટાળમાં ઉઠેલા ‘ઓફશોર ટેમ્બ્લર'થી ધરતી ધ્રૂજીઃ લોકો જીવ બચાવવા રસ્તા પર દોડી આવ્યા

મનિલા, તા.૭: ફિલિપાઇન્સના લોકો માટે ભયાવહ સાબિત થઈ હતી, જ્યારે રિક્ટર સ્કેલ પર ૬.૭ ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે આખા દેશને હચમચાવી દીધો હતો. યુએસ ભૂસ્તરશાષાીય મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર બેકયુલિન શહેરથી ૬૮ કિમી પૂર્વમાં સમુદ્રની અંદર માત્ર ૧૦ કિમીની છીછરી ઊંડાઈએ હતું. છીછરો ભૂકંપ હોવાને કારણે તેની વિનાશક શક્તિ વધુ અનુભવાઈ હતી, જેને કારણે મિંડાનાઓ ટાપુ અને તેની આસપાસના વિસ્તારોમાં મકાનો અને ઇમારતો જોરશોરથી હલવા લાગી હતી. જોકે, ભૂકંપ સમુદ્રમાં એટલે કે ઓફશોર હોવાથી જમીન પર અત્યાર સુધી કોઈ મોટા જાન-માલના નુકસાનના અહેવાલ નથી, પરંતુ લોકોમાં છવાયેલો ડર ઓછો થવાનું નામ નથી લેતો.
સુરીગાઓ ડેલ સુર પ્રાંતના હિનાટુઆન શહેરમાં ભૂકંપના આંચકા એટલા તીવ્ર હતા કે લોકો ઊંઘમાંથી જાગીને સીધા ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસ વડા જો મોનાટોએ મીડિયાને જણાવ્યું હતું કે, સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી અને જનજીવન સુરક્ષિત છે. ફિલિપાઇન્સની ભૂકંપ દેખરેખ એજન્સી ફિવોલ્ક્સ દ્વારા સતત આફ્ટરશોક્સ (મુખ્ય ભૂકંપ પછીના નાના આંચકા) આવવાની ચેતવણી જારી કરવામાં આવી છે, જેના કારણે દરિયાકાંઠાના રહેવાસીઓને સતર્ક રહેવા અને કાચા મકાનોથી દૂર રહેવાની સૂચના અપાઈ છે. રાહત અને બચાવ ટીમો અત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં માળખાકીય નુકસાનનું આકલન કરી રહી છે.
ભૌગોલિક દ્રષ્ટિએ ફિલિપાઇન્સ પેસિફિક રિંગ ઓફ ફાયર પર આવેલું હોવાથી અહીં જ્વાળામુખી અને ભૂકંપનું જોખમ હંમેશા રહે છે. આ વિસ્તારમાં ટેક્ટોનિક પ્લેટ્સની સતત હિલચાલને કારણે વર્ષમાં હજારો નાના-મોટા આંચકા અનુભવાય છે. વૈજ્ઞાનિકો આ ૬.૭ ની તીવ્રતાના ભૂકંપને ગંભીર શ્રેણીમાં ગણાવી રહ્યા છે અને તેનાથી સમુદ્રી મોજાઓમાં થતા ફેરફાર પર ચાંપતી નજર રાખી રહ્યા છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે સુનામીની કોઈ ગંભીર ચેતવણી જારી કરવામાં આવી નથી, પણ તટીય વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ૨૦૨૬ ના પ્રારંભે આવેલા આ કુદરતી આંચકાએ ફરી એકવાર કુદરત સામે માનવીની લાચારી સાબિત કરી દીધી છે.
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
