<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

હુબલીમાં પોલીસ વાનમાં મહિલાના કપડાં ઉતારવા મામલે ભારે હોબાળો: ભાજપે લગાવ્યો સંગીન આરોપ, પોલીસે કહ્યું- "મહિલાએ જાતે વસ્ત્રો ત્યાગ્યા"

મતદાર યાદીના મેપિંગ મુદ્દે શરૂ થયેલો વિવાદ હિંસક બન્યો; ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીખું રાજકીય યુદ્ધ ખેલાયું

હુબલી, તા.૦૭ : કર્ણાટકના હુબલીમાં એક મહિલા ભાજપ કાર્યકરની અટકાયત દરમિયાન બનેલી શરમજનક ઘટનાએ રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં પોલીસ વાન અંદર એક મહિલા નિર્વસ્ત્ર હાલતમાં જોવા મળતા ભાજપે પોલીસ તંત્ર અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભાજપના નેતાઓનો આરોપ છે કે પોલીસે અટકાયત દરમિયાન મહિલા કાર્યકર સુજાતા હાંડીના કપડાં ઉતારી તેનું ઘોર અપમાન કર્યું છે.

આ સમગ્ર ઘટનાની શરૂઆત ૨ જાન્યુઆરીએ ચાલુક્ય નગરમાં મતદારોના ફેમિલી મેપિંગ દરમિયાન થઈ હતી. કોંગ્રેસના કોર્પોરેટર સુવર્ણા કલ્લાકુંટલાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપના કાર્યકરો બૂથ લેવલ ઓફિસર (BLO) સાથે મળીને ગેરરીતિ કરી રહ્યા છે અને પ્રશ્ન પૂછનારાઓ પર હુમલો કરી રહ્યા છે. આ ફરિયાદના આધારે પોલીસે સુજાતા હાંડી અને અન્યની અટકાયત કરી હતી. ભાજપના ધારાસભ્ય મહેશ તેંગીનાકાઈએ આક્ષેપ કર્યો છે કે પોલીસ કોંગ્રેસના ઈશારે અમાનવીય વર્તન કરી રહી છે અને સંડોવાયેલા પોલીસકર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.

બીજી તરફ, હુબલી-ધારવાડ પોલીસ કમિશનર એન. શશી કુમારે ભાજપના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. કમિશનરે નિવેદન આપ્યું હતું કે, "મહિલાએ ધરપકડથી બચવા માટે પોલીસ વાનમાં પોતે જ પોતાના કપડાં ઉતારી દીધા હતા અને મહિલા પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. તેણે એક પોલીસ કર્મચારીને બચકું પણ ભર્યું હતું." પોલીસે વધુમાં ઉમેર્યું કે સુજાતા સામે અગાઉ પણ અનેક ગુનાહિત કેસો નોંધાયેલા છે. હાલમાં આ ઘટનાને પગલે કેશવપુર પોલીસ સ્ટેશન બહાર ભાજપ કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે, જેને કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે.

(3:57 PM IST)