<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

પ્રકાશ રાજના વિસ્ફોટક ભાષણથી દેશભરમાં રાજકીય ખળભળાટ: ભાજપ-RSS પર 'નરસંહાર' ની તૈયારીના સંગીન આરોપો લગાવતા ભારે વિરોધ

"આજે તેઓ મુસ્લિમો માટે આવ્યા છે, કાલે તમારા માટે આવશે" - અભિનેતાની તીખી ટિપ્પણીઓ બાદ સોશિયલ મીડિયા પર યુદ્ધ છેડાયું

હૈદરાબાદ, તા.૦૭ : જાણીતા અભિનેતા અને સામાજિક કાર્યકર્તા પ્રકાશ રાજે હૈદરાબાદના એક જાહેર મંચ પરથી શાસક પક્ષ ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર કરેલા પ્રહારોએ દેશના રાજકારણમાં નવું તોફાન ઉભું કર્યું છે. હૈદરાબાદમાં આયોજિત 'લોંગિંગ ફોર જસ્ટિસ' કાર્યક્રમમાં બોલતા પ્રકાશ રાજે આરોપ લગાવ્યો હતો કે, દેશમાં અત્યારે જે કાંઈ પણ થઈ રહ્યું છે તે લઘુમતીઓ અને મુસ્લિમોના 'નરસંહાર' ની પૂર્વતૈયારી સમાન છે. જોકે આ ભાષણ ગયા મહિને અપાયું હતું, પરંતુ તેની ક્લિપ્સ વાયરલ થતા જ ભાજપ સમર્થકો અને નેતાઓ દ્વારા ઉગ્ર પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે.

પ્રકાશ રાજે પોતાના ભાષણ દરમિયાન માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ દેશની ન્યાયતંત્રની પણ આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "ભારતની અદાલતો, તમને શરમ આવવી જોઈએ. તમે ન્યાયની હત્યા કરીને સૌથી મોટો ગુનો કરી રહ્યા છો." તેમણે RSS ની તુલના 'પાણી નીચે છુપાયેલા રાક્ષસ' સાથે કરી હતી, જે ભાજપ નામના 'કમળ' દ્વારા ઉપરથી સંચાલન કરી રહ્યો હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત, વડાપ્રધાન મોદી દ્વારા મોકલવામાં આવેલા ઇમેઇલને તેમણે 'જૂઠાણાનો પત્ર' ગણાવ્યો હતો અને પીએમની બંધારણ પ્રત્યેની નિષ્ઠા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.

આ નિવેદનો બાદ સોશિયલ મીડિયા પર પ્રકાશ રાજ વિરુદ્ધ મોરચો ખૂલ્યો છે. ભાજપ સમર્થકોએ તેમને 'દેશદ્રોહી' અને 'સમાજમાં ઝેર ફેલાવનારા' ગણાવ્યા છે. અનેક લોકોએ તેમની ધરપકડની માંગ કરી છે, જ્યારે કેટલાક યુઝર્સ તેમને ફિલ્મી પડદેથી પણ દૂર કરવાની હાકલ કરી રહ્યા છે. બીજી તરફ, પ્રકાશ રાજના સમર્થકો આને 'અભિવ્યક્તિની આઝાદી' ગણાવી રહ્યા છે. ભાજપે આ આરોપોને પાયાવિહોણા ગણાવતા કહ્યું છે કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ તમામ ધર્મના લોકોને સમાન રીતે મળી રહ્યો છે. આ વિવાદે અત્યારે દેશભરમાં વાણી સ્વાતંત્ર્ય અને રાજકીય વિરોધની મર્યાદાઓ પર નવી ચર્ચા છેડી દીધી છે.

(4:02 PM IST)