News of Wednesday, 7th January 2026
હોલીવુડમાં મહાસંગ્રામ: વોર્નર બ્રધર્સે પેરામાઉન્ટની $108 બિલિયનની બિડ ફગાવી, નેટફ્લિક્સ સાથે હાથ મિલાવવાની તૈયારી
"દેવાના ડુંગર નીચે દબાઈ જવાનું જોખમ": પેરામાઉન્ટની ઓફરને વોર્નર બ્રધર્સે 'જોખમી' ગણાવી; હેરી પોટર, ગેમ ઓફ થ્રોન્સ અને DC યુનિવર્સના માલિકી હક માટે વિશ્વની દિગ્ગજ કંપનીઓ વચ્ચે ખરાખરીનો જંગ

લોસ એન્જલસ : મનોરંજનની દુનિયાના માંધાતા ગણાતા 'વોર્નર બ્રધર્સ ડિસ્કવરી' (WBD) ને ખરીદવા માટે ચાલી રહેલી વૈશ્વિક સ્પર્ધામાં નવો વળાંક આવ્યો છે. વોર્નર બ્રધર્સના બોર્ડે પેરામાઉન્ટ સ્કાયડાન્સ તરફથી મળેલી ૧૦૮.૪ બિલિયન ડોલરની (આશરે ₹૯ લાખ કરોડથી વધુ) સુધારેલી બિડને સર્વાનુમતે ફગાવી દીધી છે. બોર્ડનું માનવું છે કે પેરામાઉન્ટની આ ઓફર દેવા પર આધારિત એક અત્યંત જોખમી સોદો છે, જે કંપનીના ભવિષ્યને અંધકારમાં ધકેલી શકે છે.
વોર્નર બ્રધર્સ પાસે 'હેરી પોટર', 'ગેમ ઓફ થ્રોન્સ', 'ફ્રેન્ડ્સ' અને 'DC કોમિક્સ' (બેટમેન, સુપરમેન) જેવી વિશ્વવિખ્યાત ફ્રેન્ચાઇઝીઓની લાઇબ્રેરી છે. આ કિંમતી સંપત્તિ મેળવવા માટે હવે નેટફ્લિક્સ (Netflix) અને પેરામાઉન્ટ વચ્ચે સીધી ટક્કર છે. પેરામાઉન્ટની ઓફર ભલે આંકડામાં મોટી દેખાતી હોય, પરંતુ વોર્નર બ્રધર્સના મતે તેમાં ૮૭ બિલિયન ડોલરનું તોતિંગ દેવું સામેલ છે, જે હોલીવુડના ઇતિહાસનો સૌથી મોટો લિવરેજ્ડ બાયઆઉટ બની શકે છે. બીજી તરફ, નેટફ્લિક્સની ૮૨.૭ બિલિયન ડોલરની ઓફર વધુ સુરક્ષિત અને વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.
બુધવારે શેરધારકોને લખેલા પત્રમાં વોર્નર બ્રધર્સે સ્પષ્ટ કર્યું કે જો તેઓ નેટફ્લિક્સ સાથેનો કરાર તોડીને પેરામાઉન્ટ પાસે જાય, તો તેમને આશરે ૪.૭ બિલિયન ડોલરની તોતિંગ પેનલ્ટી (બ્રેક-અપ ફી) ચૂકવવી પડશે. આ ઉપરાંત, પેરામાઉન્ટની નાણાકીય સ્થિતિ અને ક્રેડિટ રેટિંગ પણ ચિંતાનો વિષય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મીડિયા એકીકરણ પર નજર રાખવાની વાત કહી છે. હાલના તબક્કે, વોર્નર બ્રધર્સ નેટફ્લિક્સ સાથે મર્જર કરવા તરફ મક્કમ દેખાઈ રહ્યા છે, જે આગામી દિવસોમાં મનોરંજન જગતમાં શક્તિનું સંતુલન સંપૂર્ણપણે બદલી નાખશે.
(7:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
