<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th January 2026

EPFO માં આવશે મોટો બદલાવ: 11 વર્ષ પછી 'પગાર મર્યાદા' વધારવા સુપ્રીમ કોર્ટનું અલ્ટીમેટમ : કર્મચારીઓના પેન્શનમાં થશે તોતિંગ વધારો

વર્ષ 2014 થી જે ઘડિયાળના કાંટા ₹15,000 પર અટકી ગયા હતા, તેને હવે સુપ્રીમ કોર્ટે ફાસ્ટ ટ્રેક પર મૂકી દીધા : સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ફુગાવા અને વધતા લઘુત્તમ વેતનને ધ્યાનમાં રાખીને 4 મહિનામાં નવી પગાર મર્યાદા નક્કી કરો

નવી દિલ્હી : જાન્યુઆરી 2026 માં આવેલો સુપ્રીમ કોર્ટનો આ ઐતિહાસિક આદેશ લાખો ખાનગી કર્મચારીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ એ.એસ. ચાંદુરકરની બેન્ચે સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે દેશમાં મોંઘવારી અને માથાદીઠ આવક આસમાને પહોંચી છે, ત્યારે EPF માટેની લિમિટ 11 વર્ષથી ₹15,000 પર કેમ સ્થિર છે? કોર્ટે નોંધ્યું કે આજે ઘણા રાજ્યોમાં લઘુત્તમ વેતન જ આ મર્યાદાથી વધારે છે, પરિણામે જે કર્મચારીઓનો પગાર આ લિમિટથી સહેજ પણ વધે છે, તેઓ સામાજિક સુરક્ષાના કવચમાંથી બહાર ફેંકાઈ જાય છે. આ વિસંગતતાને દૂર કરવા માટે સરકારને હવે ચાર મહિનાની 'ડેડલાઈન' આપવામાં આવી છે.

 

જો સરકાર EPFO ની આ મર્યાદા વધારીને ₹21,000 અથવા ₹25,000 કરે છે, તો તેની સીધી અસર તમારા હાથમાં આવતા પગાર (In-hand salary) અને પેન્શન ફંડ (EPS) પર પડશે. હાલમાં ₹15,000 ની લિમિટ મુજબ પેન્શન ફંડમાં મહત્તમ ₹1,250 જમા થાય છે. જો નવી લિમિટ ₹25,000 થાય, તો આ રકમ વધીને ₹2,083 થઈ શકે છે. એટલે કે, દર વર્ષે તમારા પેન્શન ખાતામાં અંદાજે ₹10,000 થી વધુ રકમ જમા થશે. આનાથી નિવૃત્તિ સમયે મળતું કુલ ફંડ અને માસિક પેન્શન બંનેમાં ધરખમ વધારો જોવા મળશે, જે નિવૃત્તિ પછીના જીવનને વધુ આરામદાયક બનાવશે.

સરકારની તૈયારી અને સંભવિત 'EPFO 3.0'

હકીકતમાં, સરકાર આ ફેરફાર માટે લાંબા સમયથી તૈયારી કરી રહી હતી. વર્ષ 2022 માં જ EPFO ની પેટા સમિતિએ પગાર મર્યાદા વધારીને ₹21,000 કરવાની ભલામણ કરી હતી, જેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે મંજૂરી પણ આપી દીધી હતી, પરંતુ ફાઈલ નાણા મંત્રાલયમાં અટવાયેલી હતી. હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, "EPFO 3.0" વિઝન હેઠળ સરકાર માત્ર મર્યાદા જ નહીં વધારે, પણ પેન્શન સ્કીમને વધુ પારદર્શક બનાવવાની દિશામાં પણ કામ કરશે. જોકે, આનાથી કંપનીઓ (એમ્પ્લોયર) પર આર્થિક બોજ વધશે, કારણ કે તેમણે પણ વધુ યોગદાન આપવું પડશે, છતાં કર્મચારીઓના હિતમાં આ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે.

(11:20 PM IST)