તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Wednesday, 7th January 2026
હોસ્પિટલ કે 'મોતનો અડ્ડો'? લખનૌની એરા મેડિકલ કોલેજમાં ડૉક્ટરોની પાપલીલા : મહિલાના પેટમાં અઢી વર્ષ સુધી કાતર જેવું સાધન ભુલાઈ ગયું : 15 ડૉક્ટરો પર કેસ
જેને ભગવાનનું રૂપ માનવામાં આવે છે તેવા ડૉક્ટરોએ જ માનવતાને શરમાવે તેવું કૃત્ય : એક મહિલાના પેટમાં ઓપરેશન દરમિયાન સર્જિકલ સાધન ભૂલી જનારા અને અઢી વર્ષ સુધી ખોટી દવાઓ આપી લાખો રૂપિયા ખંખેરનારા 15 ડૉક્ટરો સામે હત્યાના પ્રયાસ અને છેતરપિંડીનો ગુનો નોંધાયો

લખનૌ : લખનૌના ઠાકુરગંજ વિસ્તારમાં આવેલી એરા મેડિકલ કોલેજમાં મેડિકલ સાયન્સની શરમજનક બેદરકારી સામે આવી છે. પીડિતા રૂપ સિંહને ફેબ્રુઆરી 2023માં પેટમાં દુખાવાને કારણે અહીં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ઓપરેશન દરમિયાન ડૉક્ટરોએ તેના પેટમાં સર્જિકલ સાધન ભૂલી જઈને ટાંકા લઈ લીધા હતા. નવાઈની વાત એ છે કે, આટલી મોટી ભૂલ છતાં મહિલા જ્યારે દુખાવાની ફરિયાદ લઈને વારંવાર આવતી રહી, ત્યારે ડૉક્ટરોએ તેને સાચું કહેવાને બદલે પેઈનકિલર્સ આપીને લાખો રૂપિયા વસૂલવાનું ચાલુ રાખ્યું. મહિલા અઢી વર્ષ સુધી તેના પેટમાં લોખંડના સાધન સાથે જીવતી રહી, જેના કારણે ચેપ ફેલાતા તે મોતને ઉંબરે પહોંચી ગઈ હતી.
ષડયંત્રનો પર્દાફાશ: રિપોર્ટ બદલ્યો પણ પાપ ન છુપાયું
ઓગસ્ટ 2025માં જ્યારે મહિલાની હાલત અત્યંત નાજુક બની ત્યારે આ જ હોસ્પિટલમાં અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું હતું. ડૉક્ટરોને રિપોર્ટમાં સ્પષ્ટ દેખાયું હતું કે પેટમાં સાધન રહી ગયું છે, છતાં તેમણે પોતાનું પાપ છુપાવવા માટે રિપોર્ટમાં છેડછાડ કરી અને મહિલાને એપેન્ડિસાઈટિસ હોવાનું કહીને બીજા ઓપરેશનની જાળ બિછાવી. જોકે, પીડિતાએ બીજી હોસ્પિટલમાં તપાસ કરાવતા ત્યાંના ડૉક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. 20 ઓગસ્ટ, 2025ના રોજ અન્ય હોસ્પિટલના નિષ્ણાતોએ ઓપરેશન કરીને અઢી વર્ષથી મહિલાના પેટમાં રહેલું જીવલેણ સર્જિકલ સાધન બહાર કાઢ્યું, જેનાથી એરા હોસ્પિટલના ડૉક્ટરોનું ભયાનક ષડયંત્ર ખુલ્લું પડી ગયું.
કોર્ટનો સપાટો અને 15 ડૉક્ટરો સામે FIR
આ કેસ જ્યારે કોર્ટમાં પહોંચ્યો ત્યારે પુરાવાઓ જોઈને ન્યાયાધીશ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. કોર્ટના કડક આદેશ બાદ ઠાકુરગંજ પોલીસે એરા મેડિકલ કોલેજના 15 ડૉક્ટરો સહિત હોસ્પિટલના બે માલિકો સામે છેતરપિંડી અને ગુનાહિત માનવવધના પ્રયાસ હેઠળ એફઆઈઆર (FIR) દાખલ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે હોસ્પિટલ વહીવટીતંત્રે પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. હાલમાં આ તમામ ડૉક્ટરો પર ધરપકડની તલવાર લટકી રહી છે અને આ ઘટનાએ દર્દીઓની સુરક્ષા તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોની નફાખોરી સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.
(11:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
