News of Thursday, 8th January 2026
ઉત્તર એટલાન્ટિકમાં અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ ચરમસીમાએ: અમેરિકન નેવીએ રશિયન ટેન્કર જપ્ત કરતા રશિયન સાંસદની અમેરિકન જહાજો ડૂબાડવાની ચીમકી

ન્યૂયોર્ક: અમેરિકન સ્પેશિયલ ફોર્સે આઈસલેન્ડ નજીક રશિયન ધ્વજ ધરાવતું ઓઈલ ટેન્કર જપ્ત કર્યું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રશિયન સ્ટેટ ડુમાના સભ્ય એલેક્સી ઝુરાવલેવે આક્રમક પ્રતિક્રિયા આપતા અમેરિકન કોસ્ટ ગાર્ડના જહાજો પર ટોર્પિડો હુમલો કરીને ડૂબાડી દેવાની વાત કરી છે. બીજી તરફ રશિયન પરિવહન મંત્રાલયે આને આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં મોટી ભૌગોલિક રાજકીય ઘટના બની છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમેરિકન નેવી સીલ્સ દ્વારા આઈસલેન્ડની દક્ષિણે આવેલા દરિયાઈ વિસ્તારમાંથી રશિયન ધ્વજ ધરાવતા અને ઈરાન સાથે કનેક્શન ધરાવતા 'મેરીનેરા' (બેલા ૧) નામના ઓઈલ ટેન્કરને જપ્ત કરવામાં આવ્યું છે. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આ ઓપરેશન અમેરિકન આર્મીની ૧૬૦મી સ્પેશિયલ ઓપરેશન એવિએશન રેજિમેન્ટ (જે 'નાઈટ સ્ટોકર્સ' તરીકે ઓળખાય છે) ના એમએચ-૬એમ લિટલ બર્ડ્સ હેલિકોપ્ટર દ્વારા પાર પાડવામાં આવ્યું હતું.
*ઓપરેશનમાં બ્રિટનનો પણ સાથ*
આ ઓપરેશનમાં બ્રિટને પણ સાથ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. યુ.કે.ના રક્ષા મંત્રાલયે પુષ્ટિ કરી છે કે તેમણે આ ઓપરેશન માટે 'આરએફએ ટાઈડફોર્સ' ટેન્કર અને રોયલ એરફોર્સના સર્વેલન્સ વિમાનો દ્વારા મદદ પૂરી પાડી હતી.
રશિયાનો રોષ અને ગંભીર ચીમકી:
આ ઘટના બાદ રશિયાના રાજકારણી અને સ્ટેટ ડુમાના સભ્ય એલેક્સી ઝુરાવલેવે અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, "અમેરિકન કોસ્ટ ગાર્ડના બે-ત્રણ જહાજો, જે સામાન્ય રીતે તેમના કિનારાથી હજારો કિલોમીટર દૂર ચોકીદારી કરતા હોય છે, તેને ટોર્પિડો મારીને ડૂબાડી દેવા જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "વેનેઝુએલામાં ખાસ ઓપરેશન બાદ અમેરિકા જે 'દંડરહિત' હોવાના નશામાં છે, તેને રોકવા માટે હવે આવા જ આકરા જવાબની (નાક પર ટકોરો મારવાની) જરૂર છે."
રશિયન પરિવહન મંત્રાલયે પણ સત્તાવાર નિવેદન બહાર પાડતા જણાવ્યું છે કે, ૧૯૮૨ ના સમુદ્રના કાયદા પરના યુએન સંમેલન (અનક્લોઝ) મુજબ, ખુલ્લા સમુદ્રમાં નેવિગેશનની સ્વતંત્રતા છે અને કોઈ પણ દેશને બીજા દેશના રજિસ્ટર્ડ જહાજો સામે બળપ્રયોગ કરવાનો અધિકાર નથી.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
