News of Thursday, 8th January 2026
ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિનું વરવું સ્વરૂપ: મિનિયાપોલિસમાં ‘આઈસીઈ’ એજન્ટ દ્વારા ૩૭ વર્ષીય અમેરિકન મહિલાની ગોળી મારીને હત્યા
કારમાં બેઠેલી ત્રણ સંતાનોની માતા રૈની ગુડનું ઘટનાસ્થળે જ મોત: શહેરમાં તણાવ, રસ્તાઓ પર ઉગ્ર વિરોધ પ્રદર્શનો શરૂ

મિનિયાપોલિસ: અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનની અતિ કડક ઇમિગ્રેશન નીતિઓ વચ્ચે મિનિયાપોલિસ શહેરમાંથી એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. અહીંના ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ (આઈસીઈ) એજન્ટ દ્વારા એક ૩૭ વર્ષીય અમેરિકન મહિલા નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવતા સમગ્ર શહેરમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. મૃતક મહિલા ત્રણ સંતાનોની માતા હતી અને તેનું નામ રૈની ગુડ હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ ઘટના મિનિયાપોલિસના એક વિસ્તારમાં બની હતી જ્યાં ‘આઈસીઈ’ (ICE) એજન્ટો એક ઓપરેશન દરમિયાન ત્યાં પહોંચ્યા હતા. રૈની ગુડ નામની ૩૭ વર્ષીય મહિલા પોતાની કારમાં બેઠી હતી. પ્રત્યક્ષદર્શીઓ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે એજન્ટો મહિલાની કારની નજીક પહોંચ્યા, ત્યારે મહિલાએ પોતાની કારને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન જ એક એજન્ટે તેના પર ગોળીબાર કર્યો હતો. ગોળી વાગવાને કારણે રૈની ગુડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે મૃતક રૈની ગુડ ઇમિગ્રન્ટ નહીં પરંતુ અમેરિકન નાગરિક હતી. તે ત્રણ બાળકોની માતા હતી. ઇમિગ્રેશન એજન્સી દ્વારા એક અમેરિકન નાગરિક પર આ રીતે ગોળીબાર થવાની ઘટનાએ વહીવટી તંત્ર અને ઇમિગ્રેશન નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ ઘટનાના સમાચાર વાયુવેગે ફેલાતાની સાથે જ મિનિયાપોલિસમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. નાગરિકો અને માનવ અધિકાર કાર્યકરો મોટી સંખ્યામાં રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર પણ આ ઘટના અંગે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેખાવકારો ન્યાયની માંગ સાથે આઈસીઈની કામગીરી અને ટ્રમ્પ સરકારની નીતિઓનો વિરોધ કરી રહ્યા છે.
(10:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
