News of Thursday, 8th January 2026
રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનના ડ્નિપ્રોપેટ્રોવ્સ્કમાં અંધારપટ: ૮ લાખ લોકો વીજળી વિહોણા, ખાણોનું કામકાજ ઠપ: રશિયાના ભીષણ ડ્રોન મારાથી યુક્રેનનું ઉર્જા માળખું વેરવિખેર: ઔદ્યોગિક એકમોને ભારે ફટકો

રશિયાએ યુક્રેનના ડ્નિપ્રોપેટ્રોવ્સ્ક પ્રાંત પર કરેલા અત્યંત આક્રમક ડ્રોન હુમલાને કારણે ઉર્જા વ્યવસ્થા પડી ભાંગી છે. આ હુમલાના પગલે જાન્યુઆરી ૮ની સવાર સુધીમાં લગભગ ૮,૦૦,૦૦૦ ગ્રાહકો વીજળી વિના મુશ્કેલીમાં મુકાયા હતા. હુમલાની અસર ૮ જેટલી ખાણો પર પણ પડી છે, જોકે યુક્રેનના ઉર્જા મંત્રાલય દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર રશિયાએ યુક્રેનના મહત્વના ઉર્જા મથકોને નિશાન બનાવ્યા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, રશિયન સેનાએ યુક્રેનના ડ્નિપ્રોપેટ્રોવ્સ્ક પ્રદેશ પર મોટા પાયે ‘કામિકાઝે’ ડ્રોન વડે હુમલો કર્યો હતો. આ હવાઈ હુમલાનો મુખ્ય હેતુ પ્રદેશના ઉર્જા માળખાને તોડી પાડવાનો હતો.
આ હુમલાની તીવ્રતા એટલી ભયાનક હતી કે જોતજોતામાં પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. સત્તાવાર આંકડાઓ મુજબ, જાન્યુઆરી ૮ની સવાર સુધીમાં અંદાજે ૮,૦૦,૦૦૦ (આઠ લાખ) જેટલા વીજ ગ્રાહકો અંધારામાં રહેવા મજબૂર બન્યા હતા.
વીજળી ગુલ થવાને કારણે સામાન્ય જનજીવન ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃત્તિઓને પણ માઠી અસર પહોંચી છે. ખાસ કરીને આ વિસ્તારની ૮ જેટલી મહત્વની ખાણોમાં વીજ પુરવઠો બંધ થતાં કામકાજ અટકી પડ્યું હતું, જે યુક્રેનના અર્થતંત્ર માટે ચિંતાનો વિષય છે.
યુક્રેનના નાયબ ઊર્જા મંત્રી આર્ટેમ નેક્રાસોવે પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હુમલા બાદ તરત જ ઈમરજન્સી ટીમોને કામે લગાડવામાં આવી છે. હાલમાં હોસ્પિટલો અને અન્ય અત્યંત આવશ્યક સામાજિક સંસ્થાઓને આંશિક રીતે વીજળી પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, માત્ર ડ્નિપ્રોપેટ્રોવ્સ્ક જ નહીં પરંતુ પડોશી ઝાપોરિઝ્ઝિયા પ્રદેશમાં પણ વીજળી વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો ચાલુ છે.
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે વીજળી ડૂલ થતાં નાગરિકોની હાલાકીમાં ઓર વધારો થયો છે.
(5:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
