<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

દેશભક્તિનો જુવાળ: 'પ્રોજેક્ટ વીર ગાથા 5.0' માં 1.92 કરોડ વિદ્યાર્થીઓએ નોંધાવી ભાગીદારી, 100 'સુપર-વિનર્સ' બનશે પ્રજાસત્તાક પર્વના ખાસ મહેમાન

ભારતની શૌર્ય પરંપરાને વિડિયો અને વાર્તા દ્વારા ઉજાગર કરશે યુવા પ્રતિભા; વિદેશની 91 શાળાઓએ પણ પ્રથમવાર ભાગ લઈને ઈતિહાસ રચ્યો

નવી દિલ્હી : ભારતના વીર જવાનોના બલિદાન અને શૌર્યની ગાથાઓથી નવી પેઢીને પ્રેરિત કરવા માટે શરૂ કરાયેલા 'પ્રોજેક્ટ વીર ગાથા 5.0' એ આ વર્ષે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. સંરક્ષણ મંત્રાલય અને શિક્ષણ મંત્રાલયની આ સંયુક્ત પહેલમાં આશરે 1.90 લાખ શાળાઓના 1.92 કરોડ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે. આ વખતે આ પ્રોજેક્ટ માત્ર ભારત પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ 18 દેશોમાં આવેલી 91 CBSE શાળાઓના 28,000 વિદ્યાર્થીઓએ પણ આમાં જોડાઈને ગ્લોબલ ઓળખ આપી છે.

સુપર-વિનર્સ માટે કર્તવ્ય પથ પર ખાસ સ્થાન:

દેશભરમાંથી જે વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તેમાંથી 100 સુપર-વિનર્સની પસંદગી કરવામાં આવી છે. આ વિજેતાઓને ભારત સરકાર તરફથી મોટું સન્માન આપવામાં આવશે. આ 100 ભાગ્યશાળી વિદ્યાર્થીઓ 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડમાં કર્તવ્ય પથ પર ખાસ મહેમાન તરીકે હાજર રહેશે અને ભારતીય સેનાના શૌર્યનું પ્રત્યક્ષ દર્શન કરશે.

નવી ટેકનોલોજી અને સર્જનાત્મકતાનો સંગમ:

વીર ગાથા 5.0 ને આ વર્ષે વધુ રોમાંચક બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ માત્ર નિબંધો જ નહીં, પરંતુ:

· શોર્ટ વીડિયો અને એન્કરિંગ: વીડિયો દ્વારા વીરતાની વાતો રજૂ કરી.

· સ્ટોરી ટેલિંગ: ભારતની સમૃદ્ધ લશ્કરી પરંપરાઓ અને વ્યૂહરચનાઓ પર વાર્તાઓ કહી.

· રિપોર્ટિંગ: ફિલ્ડ રિપોર્ટર બનીને શહીદોના સ્મારકો અને તેમના વારસા પર સામગ્રી તૈયાર કરી.

લશ્કરી વારસાનો પરિચય:

ગયા વર્ષે 8 સપ્ટેમ્બરથી શરૂ થયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ભારતની 'સમરિક પરંપરા' એટલે કે પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીની લશ્કરી વ્યૂહરચનાઓ અને વીરતાપૂર્ણ વારસાથી પરિચિત કરાવવાનો છે. વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે આ એક સશક્ત માધ્યમ સાબિત થયું છે.

(6:47 PM IST)