News of Thursday, 8th January 2026
ભારત પર ટ્રમ્પનો 'ટેરિફ બોમ્બ': રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ 500% ટેરિફની ધમકી, શું વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની દોસ્તીમાં પડશે તિરાડ?
યુએસ સેનેટર લિન્ડસે ગ્રેહામનો મોટો ધડાકો: રશિયા પ્રતિબંધ બિલને ટ્રમ્પની લીલીઝંડી; સોના-ચાંદીના ભાવ આસમાને પહોંચશે અને શેરબજારમાં ભૂકંપ આવવાની ભીતિ

વોશિંગ્ટન:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના આકરા વલણને કારણે ચર્ચામાં છે. વેનેઝુએલા બાદ હવે ટ્રમ્પનું નિશાન ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશો બન્યા છે. અમેરિકાના પ્રભાવશાળી સેનેટર લિન્ડસે ગ્રેહામે પુષ્ટિ કરી છે કે ટ્રમ્પે 'રશિયા પ્રતિબંધ બિલ' ને મંજૂરી આપી દીધી છે. આ બિલ મુજબ, જે દેશો રશિયા પાસેથી સસ્તું તેલ ખરીદીને પુતિનના 'વોર મશીન' ને આર્થિક મદદ કરી રહ્યા છે, તેમના પર 500% સુધીનો આકરો ટેરિફ લાદવામાં આવી શકે છે.
ટ્રમ્પ પ્રશાસનનું માનવું છે કે ભારત રશિયા પાસેથી મોટા પાયે તેલ ખરીદી રહ્યું છે, જેનાથી રશિયાને યુક્રેન સામે યુદ્ધ લડવા માટે નાણાં મળે છે. અગાઉ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો હતો, જે વધારીને 50% કરવામાં આવ્યો હતો. હવે જો આ નવું બિલ કાયદો બનશે, તો ભારતની નિકાસ પર 500% સુધીનો ટેક્સ લાગી શકે છે, જે ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો સાબિત થશે. વિદેશ મંત્રી એસ. જયશંકરે અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભારત રાષ્ટ્રીય હિતમાં તેલની ખરીદી ચાલુ રાખશે.
નિષ્ણાતોના મતે, જો અમેરિકા અને ભારત વચ્ચે 'ટેરિફ વોર' શરૂ થશે, તો તેની સીધી અસર રોકાણકારો પર પડશે:
વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ વધારો થઈ શકે છે. લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળશે.
શેરબજાર: ભારતીય શેરબજારમાં આ સમાચારથી ગભરાટ ફેલાઈ શકે છે. ખાસ કરીને નિકાસ સાથે જોડાયેલી કંપનીઓના શેર તૂટી શકે છે. જોકે, બજારની નજર શુક્રવારે યુએસ સુપ્રીમ કોર્ટ દ્વારા ટેરિફ પર લેવામાં આવનારા નિર્ણય પર ટકેલી છે.
આ બિલ હેઠળ ટ્રમ્પને એવા દેશોને સજા કરવાની સત્તા મળશે જે રશિયા સાથે વ્યાપાર ચાલુ રાખે છે. આમાં વિઝા પ્રતિબંધ, સંપત્તિ જપ્ત કરવી અને ભારે ટેક્સનો સમાવેશ થાય છે. ભારત બીજા ક્રમે સૌથી વધુ રશિયન તેલ ખરીદનાર દેશ હોવાથી અમેરિકાનું દબાણ સતત વધી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભારત સરકાર આ આર્થિક પડકારનો સામનો કેવી રીતે કરે છે.
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
