<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ભારતીય વૈજ્ઞાનિકે ઓક્ટોપસની જેમ રંગ અને રૂપ બદલતી 'જાદુઈ ચામડી' બનાવી, હવે રોબોટ પણ અદ્રશ્ય થઈ શકશે !

સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના ભારતીય સંશોધક સિદ્ધાર્થ દોશી અને તેમની ટીમે ઓક્ટોપસમાંથી પ્રેરણા લઈ અદભુત સિન્થેટીક સ્કીન બનાવી છે જે જરૂરિયાત મુજબ પોતાનો કલર અને ટેક્સચર બદલી શકે છે*


વોશિંગ્ટન: સમુદ્રમાં રહેતું ઓક્ટોપસ નામનું પ્રાણી દુશ્મનોથી બચવા માટે જે રીતે પોતાના શરીરનો રંગ અને આકાર બદલીને પથ્થરોમાં ભળી જાય છે, બિલકુલ તેવી જ ક્ષમતા ધરાવતી 'કૃત્રિમ ત્વચા' (સિન્થેટીક સ્કીન) બનાવવામાં વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પ્રસિદ્ધ સાયન્સ જર્નલ 'નેચર'માં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ સંશોધનમાં ભારતીય મૂળના વૈજ્ઞાનિક સિદ્ધાર્થ દોશીની મુખ્ય ભૂમિકા રહી છે.
કેવી રીતે કામ કરે છે આ ટેકનોલોજી?
સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના મટીરિયલ્સ સાયન્ટિસ્ટ સિદ્ધાર્થ દોશી અને તેમના સાથીદારોએ 'પેડોટ:પીએસએસ' (PEDOT:PSS) નામના ખાસ પ્રકારના પોલિમરનો ઉપયોગ કરીને આ અજાયબી સર્જી છે. આ મટીરિયલની ખાસિયત એ છે કે જ્યારે તે પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે ફૂલે છે અને જ્યારે તેને અન્ય પ્રવાહી (જેમ કે આલ્કોહોલ કે ૨-પ્રોપેનોલ) અડાડવામાં આવે ત્યારે તે સંકોચાય છે.
આ સંકોચન અને ફૂલવાની પ્રક્રિયાથી સપાટી પર સુક્ષ્મ ટેકરાઓ અને ખાડાઓ ઉપસી આવે છે. જેના કારણે સપાટી પર પડતો પ્રકાશ અલગ રીતે પરાવર્તિત થાય છે. પરિણામે, મટીરિયલ ક્યારેક ચમકદાર તો ક્યારેક ઝાંખું (મેટ) દેખાય છે અને તેનો રંગ બદલાયેલો લાગે છે. આ આખી પ્રક્રિયા 'રિવર્સીબલ' છે, એટલે કે તેને વારંવાર મૂળ સ્થિતિમાં લાવી શકાય છે.
સિદ્ધાર્થ દોશીએ શું કહ્યું?
આ અંગે વાત કરતા મુખ્ય સંશોધક સિદ્ધાર્થ દોશીએ જણાવ્યું હતું કે, "અમે સપાટી પર આલ્કોહોલનો ઉપયોગ કરીએ એટલે પાણી બહાર નીકળી જાય છે અને સપાટી ફરીથી બદલાઈ જાય છે. આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ભવિષ્યમાં એવી વસ્તુઓ બનાવી શકાશે જે પોતાના વાતાવરણ મુજબ રંગ બદલી શકે."
ભવિષ્યમાં ક્યાં ઉપયોગ થશે?
ફ્રાન્સની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્ટિક્સના સંશોધક ફિલિપ લલાને આ સંશોધનને 'તદ્દન અનોખું' ગણાવ્યું છે. આ ટેકનોલોજીના ભવિષ્યમાં ક્રાંતિકારી ઉપયોગ થઈ શકે છે:
૧. રોબોટિક્સ: જાસૂસી કરતા રોબોટને આ ત્વચા પહેરાવવાથી તે આસપાસના વાતાવરણમાં ભળી જશે અને દેખાશે નહીં (કેમોફ્લેજ).
૨. સ્માર્ટ બિલ્ડિંગ: ઈમારતોની બહારની દીવાલો પર આ મટીરિયલ લગાવવાથી ઋતુ કે તાપમાન મુજબ દીવાલો આપોઆપ રંગ બદલી શકશે.
૩. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ: મોબાઈલ કે લેપટોપ જેવી વસ્તુઓ પણ યુઝરની ઈચ્છા મુજબ કલર બદલી શકે તેવા દિવસો હવે દૂર નથી.
૪. સોલાર પેનલ: આ મટીરિયલ સોલાર પેનલમાં પણ વપરાતું હોવાથી ઉર્જા ક્ષેત્રે પણ તેનો લાભ મળી શકે છે.
આમ, ઓક્ટોપસ અને કટલફિશ જેવા દરિયાઈ જીવોની કુદરતી બક્ષિસને હવે વિજ્ઞાને માણસના હાથમાં મૂકી દીધી છે.

 

(12:37 AM IST)