<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

GST નંબર વિના ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ પર માલ વેચે તો દંડ

જીએસટી વિભાગ દ્વારા ઇ-કોમર્સ પ્‍લેટફોર્મ માટેના નિયમો કડક બનાવવાની જાહેરાત કરાઈ

નવી દિલ્‍હી,તા.૦૯: ઓનલાઈન વેંચાણ કરનારાઓ દ્વારા મોટાપાયે જીએસટી ચોરી કરવામાં આવતી હોવાની વ્‍યાપક ફરિયાદ બાદ વિભાગ દ્વારા ઈ-કોમર્સ ચલાવનાર માટે કડક નિયમોની જોગવાઈ કરાઈ હોવાની વિગતો જાણવા મળી છે. તેમાં જે પણ વ્‍યક્‍તિને જીએસટી વિના માલ વેચાણ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે તો ઇ-કોમર્સ ચલાવનારને દંડ ફટકારવાની જાહેરાત કરી છે.

છેલ્‍લા કેટલાક સમયથી ઓનલાઈન કેટલીક વસ્‍તુનું વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમાં કેટલાક તત્ત્વો કંપનીના નામે ડુપ્‍લિકેટ વસ્‍તુનું વેચાણ કરી રહ્યા હોવાનું પણ બહાર આવ્‍યું છે. તેઓ દ્વારા જીએસટીની પણ મોટાપાયે ચોરી કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્‍યું છે. આ કારણોસર ઓનલાઈન વસ્‍તુનું વેચાણ કરનારાઓ પાસે ફરજિયાત જીએસટી નંબર હોવો જોઈએ તેવો નિયમ લાગુ કરવામાં આવનાર છે. તેમાં પણ ઈ-કોમર્સના માધ્‍યમથી વસ્‍તુનું વેચાણ કરવામાં આવે તો તેની પાસે જો જીએસટી નંબર નહીં હોય તેમ છતાં વસ્‍તુનું વેચાણ કરવામાં આવશે તો તેની સામે તો કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ તેની સાથે સાથે ઈ-કોમર્સના પ્‍લેટફોર્મ પર વસ્‍તુનું વેચાણ કરવા માટેની મંજૂરી આપનાર ઈ-કોમર્સ ચલાવનારને પણ દંડ ફટકારવામાં આવનાર છે, કારણ કે જીએસટીમાં કાયદાની કલમ ૨(૪૫) અને તાજેતરના કર્ણાટક AAR (રેપિડો કેસ)ના ચુકાદાઅ પણ સ્‍પષ્ટ કર્યું છે કે જે પ્‍લેટફોર્મ કિમત અને પેમેન્‍ટ પર નિયંત્રણ રાખે છે

તે ઈ-કોમર્સ ઓપરેટર ગણાશે. કાયદા મુજબ હવે વેપારીઓની નોંધણી તપાસવી એ પ્‍લેટફોર્મની કાનૂની ફરજ છે. તેમજ તે પ્રમાણે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેની પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.

ટેક્‍સની રકમ અથવા તો ૧૦ હજારનો દંડ થશે

જીએસટી કાયદામાં કરવામાં આવેલા ફેરફાર મુજબ જો કોઈ ઈ-કોમર્સ પ્‍લેટફોર્મ પર જીએસટી નોંધણી વગરના વેપારીને ઓનલાઇન સપ્‍લાય કરવા દેશે. (આંતર-રાજ્‍ય માલ વેચવાની મંજૂરી આપશે. વેચાણના આંકડામાં ભુલ કરશે તેવા કિસ્‍સામાં ઓપરેટરને રૂ. ૧૦,૦૦૦ અથવા ટેક્‍સની રકમ બેમાંથી જે વધુ હોય તેટલો દંડ કરાશે.

ડેટા પર GAC અધિકારીઓની સીધી નજર રહેશે

જીએસટી કલમ ૫૨(૧૨) હેઠળ ડેપ્‍યુટી કમિશનર કક્ષાના અધિકારીઓ કોઈપણ સમયે ઈ-કોમર્સ ઓપરેટર પાસે વેચાણનો ડેટા અને સ્‍ટોકની વિગતો માંગી શકે છે. આનો અર્થ એ છે કે હવે ઓનલાઈન વેચાતા એક-એક સામાન પર સરકારની બાજ નજર છે. આ કડક નિયમોને કારણે હવે ઈ-કોમર્સ કંપનીઓએ વેપારીઓને પ્‍લેટફોર્મ પર લેતા પહેલા ટેકનિકલ ચકાસણી વધારવી પડશે. આનાથી ટેક્‍સની ચોરી ઘટશે પરંતુ નાના પ્‍લેટફોર્મ્‍સ માટે ખર્ચ વધી શકે છે.

નાના વેપારીઓએ GST નંબર લેવો જરૂરી નથી

૨૦ લાખથી ઓછુ વેચાણ કરનાર નાના વેપારીઓને જીએસટી નંબર લેવામાં છૂટ આપવામાં આવી છે. પરંતુ તેના માટે પણ જીએસટીમાં અલગ અલગ નિયમો બનાવવામાં આવ્‍યા છે. તેમાં તેઓ માત્ર માલનું વેચાણ કરતા હોય પરંતુ અન્‍ય કોઇ સર્વિસ આપતા નહીં હોય. તેઓ પોતાના રાજ્‍યની બહાર માલ ન વેચતા હોય તેમજ તેમની પાસે જીએસટી પોર્ટલનો એનરોલમેન્‍ટ નંબર હોય.

(10:55 AM IST)