News of Friday, 9th January 2026
વૈશ્વિક પડઘા: અમેરિકાએ ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી, બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સને દુનિયાનું ધ્યાન દોર્યું
અમેરિકન નાગરિકોને સ્પષ્ટ ચેતવણી, ઈરાનનો પ્રવાસ કરવાનું ટાળે: જે નાગરિકો ઈરાનમાં છે તેમને દેશ છોડવા સૂચના: વિદેશી નાગરિકોની પણ અટકાયત થઈ શકે છે

ઈરાનની અસ્થિરતાને જોતા અમેરિકાએ પોતાના નાગરિકો માટે કડક ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડી છે. બીજી તરફ, જાણીતા બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રેન્સને આ સામૂહિક વિરોધ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોરવા અપીલ કરી છે.
ઈરાનમાં વણસતી જતી પરિસ્થિતિ હવે માત્ર સ્થાનિક મુદ્દો રહી નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની છે. ઈરાનમાં ચાલી રહેલી હિંસા અને અરાજકતાને ધ્યાનમાં રાખીને અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા તાત્કાલિક અસરથી એક નવી ટ્રાવેલ એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જેમાં અમેરિકન નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ ઈરાનનો પ્રવાસ કરવાનું ટાળે. જે નાગરિકો ત્યાં હાજર છે તેમને પણ સાવચેત રહેવા અથવા દેશ છોડવા સૂચના અપાઈ છે. અમેરિકાએ આશંકા વ્યક્ત કરી છે કે ત્યાં વિદેશી નાગરિકોની પણ અટકાયત થઈ શકે છે.
આ દરમિયાન, વર્જિન ગ્રૂપના સ્થાપક અને બ્રિટિશ ઉદ્યોગસાહસિક રિચાર્ડ બ્રેન્સને સોશિયલ મીડિયાના માધ્યમથી વૈશ્વિક સમુદાયને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈરાનમાં જે થઈ રહ્યું છે તે ગંભીર છે અને વિશ્વએ ત્યાંના નાગરિકોના અવાજને સાંભળવો જોઈએ. બ્રેન્સનની અપીલ બાદ પશ્ચિમી દેશોમાં પણ ઈરાનની સરકાર સામે દબાણ વધી રહ્યું છે. માનવાધિકાર સંગઠનોએ પણ ઈરાન સરકારના કડક વલણની ટીકા કરી છે.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
