<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

આર્થિક અને સામાજિક કટોકટી: બજારો બંધ રહેતા ઈરાનના અર્થતંત્રને કરોડોનું નુકસાન: આગામી દિવસોમાં મોટા રાજકીય પરિવર્તન અથવા ગંભીર કટોકટી સર્જવાની શક્યતા

લાંબા સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને દુકાનો બંધ રહેવાને કારણે ઈરાનના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે. નિષ્ણાતોના મતે આગામી દિવસોમાં દેશમાં મોટા રાજકીય પરિવર્તન અથવા ગંભીર કટોકટી સર્જાઈ શકે છે.

સતત ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હડતાલને કારણે ઈરાનનું જનજીવન તો ખોરવાયું જ છે, પરંતુ તેની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. તેહરાન સહિતના મોટા શહેરોમાં મુખ્ય બજારો અને વ્યાપારી સંકુલો દિવસો સુધી બંધ રહેતા આર્થિક નુકસાનનો આંકડો મોટો થઈ રહ્યો છે.

નાના વેપારીઓથી માંડીને મોટા ઉદ્યોગો સુધી તમામ વર્ગ આ અસ્થિરતાનો ભોગ બન્યા છે. ઇન્ટરનેટ બંધ હોવાથી ઓનલાઇન વ્યવહારો અને બેન્કિંગ સેવાઓ પણ ઠપ થઈ ગઈ છે, જેનાથી વેપાર જગતને રોજિંદા ધોરણે કરોડોનું નુકસાન વેઠવું પડી રહ્યું છે.

રાજકીય વિશ્લેષકો માને છે કે આ વિરોધ હવે કોઈ એક મુદ્દા પૂરતો સીમિત નથી રહ્યો. સરકારના તમામ દમનકારી પગલાં અને કડક વલણ છતાં પ્રદર્શનકારીઓ પીછેહઠ કરવા તૈયાર નથી. જમીની સ્તરે થતી હિંસા અને ધરપકડોના અહેવાલો દબાવી દેવાયા હોવા છતાં, લોકોનો રોષ ઘટવાને બદલે વધી રહ્યો છે.

આ પરિસ્થિતિ આગામી દિવસોમાં ઈરાનમાં કોઈ મોટા રાજકીય પરિવર્તન અથવા ગંભીર રાષ્ટ્રીય કટોકટી તરફ ઈશારો કરી રહી છે. સરકાર અને પ્રજા વચ્ચેની આ લડાઈ હવે નિર્ણાયક તબક્કે પહોંચી હોવાનું મનાય છે.

 

(11:04 AM IST)