<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

કાલે સોમનાથમાં નરેન્‍દ્રભાઇનું આગમનઃ આજે સંતોની રવેડી નિકળી

સોમનાથ સ્‍વાભિમાન પર્વ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોઃ મોટી સંખ્‍યામાં ઉમટતા શિવભકતો

વેરાવળ : શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આયોજીત કાર્યક્રમ અંગે કેન્‍દ્રીય મંત્રી ગજેન્‍દ્રસિંહ શેખાવત, જીતુભાઇ વાઘાણી, કૌશિકભાઇ વેકરીયા સહિતનાએ સમીક્ષા કરી  હતી. (તસ્‍વીર : દિપક કકકડ વેરાવળ)

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ તા.૯: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આયોજીત સ્‍વાભિમાન પર્વમાં મોટી સંખ્‍યામાં ભકતો ઉમટી રહયા છે. જેમાં કાલે સાંજે ૫:૩૦ વાગ્‍યે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીનું આગમન થશે. અને રાત્રી રોકાણ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કરશે. ત્‍યારબાદ તા.૧૧ને રવિવારના બપોર સુધી શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં આયોજીત વિવિધ કાર્યક્રમોમાં જોડાશે.

આજે સવારે શ્રી સોમનાથ મંદિર પાસે શંખ સર્કલ નજીકથી સાધુઓની રવેડી નીકળી હતી. સોમનાથ ખાતે દ્વાદશ જ્‍યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ૦૮ થી ૧૧ જાન્‍યુઆરી દરમિયાન સોમનાથ સ્‍વાભિમાન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી પણ ૧૦ અને ૧૧ જાન્‍યુઆરી દરમિયાન દાદા સોમનાથની અલૌકિક અને ઐતિહાસિક ભૂમિ પર આવનાર છે. સ્‍વાભિમાન પર્વની ઉજવણી સાથે સમગ્ર સોમનાથની આભાએ કંઈક અલગ જ વાતાવરણનું સર્જન કર્યું છે. શિવ આરાધનાના સ્‍વર, સૂર અને સંગીતથી સોમનાથ શિવમય બન્‍યું છે.

દેશ-વિદેશથી શિવ ભક્‍તો સોમનાથ દાદાના દર્શન કરવા અને આ સ્‍વાભિમાન પર્વમાં સહભાગી બનવા સોમનાથના અતિથિ બન્‍યા છે. ત્‍યારે સોમનાથે પણ વિશેષ શણગાર સજ્‍યા છે. સોમનાથના વિવિધ ચાર માર્ગીય સર્કલ પર મૂકવામાં આવેલી સાઉન્‍ડ સિસ્‍ટમ પર વહેલી સવારે શિવ આરાધના, મંત્રોચ્‍ચાર, શિવ ધૂન અને ભજનો તથા ગીત-સંગીતથી વાતાવરણ શિવ ભક્‍તિમય બન્‍યું છે. ઉપરાંત શહેરના મુખ્‍ય માર્ગો તથા જાહેર સ્‍થળો પર રોશની અને સુશોભનથી સોમનાથને વિશેષ શણગાર કરવામાં આવ્‍યો છે.

દ્વાદશ જ્‍યોર્તિલિંગમાંના પ્રથમ જ્‍યોર્તિલિંગની ભૂમિ પર વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ  મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્‍યુઆરીના રોજ ‘‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'' માં સહભાગી થવા માટે પધારવાના છે, ત્‍યારે કેન્‍દ્રીય સંસ્‍કળતિ મંત્રી શ્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતજીએ વડાપ્રધાનશ્રીના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્‍થળ સમિક્ષા કરી અન્‍ય તૈયારીઓની વિગતો મેળવી હતી.

કેન્‍દ્રીય મંત્રી શ્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતજીએ સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્‍યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને ‘‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'' અંતર્ગત તા.૮, ૯ અને ૧૦ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્‍કળતિક કાર્યક્રમો સહિત અન્‍ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.

સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્‍દ્રીય મંત્રીશ્રીએ શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલથી હમીરજી ગોહિલ પ્રતિમાથી મંદિર પરિસર સહિતના સ્‍થળોએ મંત્રીશ્રીઓ તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટ નિરીક્ષણ કર્યું હતું.

કેન્‍દ્રીય મંત્રી શ્રી ગજેન્‍દ્રસિંહ શેખાવતજી એ જણાવ્‍યું હતું કે, બાર જ્‍યોર્તિલિંગમાંનું પ્રથમ જ્‍યોર્તિલિંગ સોમનાથ એ દેશના કરોડો લોકો માટે આસ્‍થાનું પ્રતીક છે. સોમનાથ એ અવિનાશી-શાશ્વત  સનાતન સંસ્‍કળતિ અને અતૂટ આસ્‍થાનું પ્રતિક છે. તલવારની તાકાત પર સનાતનને મિટાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ એમાં નિષ્‍ફળતા મળી અને સનાતનની શક્‍તિમાં ઉત્તરોતર વધારો થતો રહ્યો છે.

ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું પરંતુ વિદ્વંશ સામે નિર્માણની તાકાત જીતી ગઈ, સોમનાથ પર આટઆટલા આક્રમણ પછી પણ એ સનાતન, અખંડ અને અવિનાશી રહ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયત્‍નોથી ભવિષ્‍યની પેઢીને પણ સનાતન સંસ્‍કળતિની-ભારતની પ્રાચીન ધરોહર ની ઓળખ મળે, વીરોના બલિદાન યોગદાનની ગાથા ની જાણકારી મળે એ દિશામાં કાર્ય થઈ રહ્યું છે. એમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

સોમનાથ પર ગઝનવીના આક્રમણના ૧૦૦૦ વર્ષ અને મંદિર જીર્ણોદ્ધારના ૭૫ વર્ષનો સુભગ સમન્‍વય સધાયો છે. જે તાકાતો એ  ભારતમાં અવિનાશી ચેતનાને મિટાવવાની કોશિશ કરી હતી, એમના પ્રયાસો સદંતર નિષ્‍ફળ રહ્યાં. આમ સોમનાથ એ અતૂટ આસ્‍થાનું કેન્‍દ્ર અને સાંસ્‍કળતિક ધરોહરોનું પુનઃજાગરણનું કેન્‍દ્ર બન્‍યું છે.

ઉલ્લેખનીય છે કે ‘‘સોમનાથ સ્‍વાભિમાન પર્વ'' અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્‍સવમાં રંગારંગ સાંસ્‍કળતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે.

(11:20 AM IST)