<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બંગાળમાં 'દીદી' વિરુદ્ધ ED: મમતા બેનર્જીએ તપાસ એજન્સી સામે જ નોંધાવી પોલીસ ફરિયાદ, હાઈકોર્ટમાં પહોંચ્યો મામલો

I-PAC ના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાને દરોડા બાદ રાજકીય ખળભળાટ; ED નો આરોપ- "મુખ્યમંત્રીએ તપાસમાં અવરોધ ઉભો કર્યો", આજે હાઈકોર્ટમાં થશે સુનાવણી

કોલકાતા, તા. ૦૯ : પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગઈકાલે એક અભૂતપૂર્વ પગલું ભરતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના અધિકારીઓ વિરુદ્ધ જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી છે. આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ED એ પ્રખ્યાત રાજકીય રણનીતિકાર સંસ્થા I-PAC ના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને કાર્યાલય પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસ સ્ટેશનમાં હલચલ અને બેવડી ફરિયાદ
મુખ્યમંત્રીના નિર્દેશ બાદ ઈલેક્ટ્રોનિક્સ કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશન અને શેક્સપિયર સરાની પોલીસ સ્ટેશનમાં ED વિરુદ્ધ ફરિયાદો દાખલ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દ્વારા પણ અલગથી એક ફરિયાદ નોંધવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે કેન્દ્રીય એજન્સીઓ રાજકીય વેર વાળવા માટે આ પ્રકારની કાર્યવાહી કરી રહી છે.
ED પહોંચી હાઈકોર્ટના દ્વારે
બીજી તરફ, ED એ આ મામલે કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક સાધ્યો છે. ED ના વકીલ ધીરજ ત્રિવેદીએ ન્યાયાધીશ શુભ્રા ઘોષની બેંચ સમક્ષ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, જ્યારે અધિકારીઓ પ્રતીક જૈનના પરિસરમાં તપાસ કરી રહ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીએ અચાનક હસ્તક્ષેપ કરીને તપાસમાં અવરોધ ઊભો કર્યો હતો. એજન્સીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે મુખ્યમંત્રી દખલગીરી કરી રહ્યા હતા ત્યારે સ્થાનિક પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી હતી.
I-PAC ની દલીલ: ફાઈલો જપ્ત કરવાનો પ્રયાસ
I-PAC ના વકીલોએ પણ કોર્ટમાં ધા નાખી છે. તેમણે દલીલ કરી હતી કે ED તેમની તમામ ગોપનીય ફાઈલો અને દસ્તાવેજો ગેરકાયદેસર રીતે જપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આ સર્ચ ઓપરેશન પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની સુનાવણી આજે બપોરે હાથ ધરવામાં આવશે, જેના પર આખા દેશની નજર ટકેલી છે.

(5:46 PM IST)