<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

જમ્મુ-કાશ્મીર બન્યું બરફનું રેગિસ્તાન: સીઝનનું સૌથી નીચું તાપમાન નોંધાતા જનજીવન ઠપ, પહાડો પર માઈનસ ૯ ડિગ્રીમાં થીજી ગયા પાણીના ઝરણા

શ્રીનગરમાં ઠંડીનો પારો માઈનસ ૫.૧ અને પહેલગામમાં માઈનસ ૮.૬ ડિગ્રીએ પહોંચ્યો; ગાઢ ધુમ્મસને કારણે જમ્મુમાં વાહનવ્યવહાર ખોરવાયો અને મુઘલ રોડ બંધ

શ્રીનગર : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર અત્યારે પ્રચંડ શીતલહેરની ચપેટમાં છે. ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનોએ કાશ્મીર ખીણને બરફની ચાદરમાં લપેટી દીધી છે, જેના કારણે આજે મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. શ્રીનગરથી લઈને જમ્મુ સુધીના તમામ વિસ્તારોમાં ઠંડીનો પારો ગગડતા લોકો ધ્રૂજી ઉઠ્યા છે અને ઠેર-ઠેર જળાશયો થીજી જવાની ઘટનાઓ સામે આવી રહી છે.
શ્રીનગરમાં શૂન્ય નીચે તાપમાન, પ્રવાસીઓ પરેશાન
ખીણ પ્રદેશમાં ઠંડીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન એક જ દિવસમાં માઈનસ ૧.૬ ડિગ્રીથી ગગડીને સીધું માઈનસ ૫.૧ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. પ્રખ્યાત પર્યટન સ્થળ પહેલગામમાં તો સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં તાપમાન માઈનસ ૮.૬ ડિગ્રી નોંધાયું છે. વિશ્વપ્રસિદ્ધ સ્કીઇંગ રિસોર્ટ ગુલમર્ગમાં પણ માઈનસ ૯.૨ ડિગ્રીની હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જેને કારણે પર્યટકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
જમ્મુમાં ધુમ્મસનો કહેર અને ટ્રાફિક જામ
બીજી તરફ જમ્મુ ક્ષેત્રમાં ગાઢ ધુમ્મસને કારણે સવારના સમયે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ હતી. જમ્મુ શહેરમાં તાપમાન ૭.૧ ડિગ્રી નોંધાયું છે, જ્યારે ઉધમપુરમાં પારો સીધો ૨.૦ ડિગ્રીએ પહોંચી જતા મેદાની વિસ્તારોમાં પણ પર્વતો જેવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. ધુમ્મસને કારણે ટ્રેન અને હવાઈ સેવાઓ પર માઠી અસર પડી છે, જ્યારે હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે.
મુખ્ય માર્ગો બંધ, વહીવટીતંત્ર સતર્ક
ભારે હિમવર્ષા અને બરફ જમા થવાને કારણે કિશ્તવાર-સિંથન-અનંતનાગ રોડ અને ઐતિહાસિક મુઘલ રોડ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે, જેમાં મેદાની વિસ્તારોમાં અતિ ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા લોકોને વહેલી સવારે અને મોડી રાત્રે મુસાફરી ન કરવાની તેમજ હીટર અને કોલસાના વપરાશ વખતે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

(6:53 PM IST)