News of Friday, 9th January 2026
દિલ્હી વિધાનસભામાં હાઈવોલ્ટેજ ડ્રામા: 'આપ'ના મીમ્સથી મુખ્યમંત્રી રેખા ગુપ્તાની આંખો ભરાઈ આવી
"એક મહિલા મુખ્યમંત્રી પદ સંભાળે તે AAP સહન નથી કરી શકતું": ભાષાકીય ભૂલો પર સોશિયલ મીડિયામાં મજાક ઉડાવવા બદલ ભાવુક અપીલ: 'શીશમહેલ' અને ભ્રષ્ટાચારના મુદ્દે વિપક્ષને આડે હાથ લીધો

નવી દિલ્હી:દિલ્હી વિધાનસભાનું સત્ર શુક્રવારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપોને બદલે ભાવુક વળાંક પર આવીને અટકી ગયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તા ગૃહમાં પોતાનું વક્તવ્ય આપતી વખતે અચાનક ભાવુક થઈ ગયા હતા અને આમ આદમી પાર્ટી (AAP) પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે ભીની આંખે કહ્યું કે, વિરોધ પક્ષ તેમની નાની-નાની ભાષાકીય ભૂલોને પકડીને સોશિયલ મીડિયા પર મીમ્સ બનાવી રહ્યો છે, જે કોઈ પણ ગરિમાપૂર્ણ રાજકારણને શોભતું નથી. મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો કે AQI ને બદલે AIQ કે બ્રિટિશને બદલે કોંગ્રેસ જેવા શબ્દો અકસ્માતે બોલાઈ જાય ત્યારે તેને હથિયાર બનાવીને તેમનું માનસિક શોષણ કરવામાં આવે છે.
રેખા ગુપ્તાએ પોતાની પીડા વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે, આ માત્ર મીમ્સની વાત નથી પરંતુ આમાં સ્ત્રીવિરોધી માનસિકતા સ્પષ્ટ દેખાય છે. તેમણે ગર્જના કરી કે, આમ આદમી પાર્ટી એ હકીકત પચાવી શકતી નથી કે દિલ્હીની ગાદી પર એક મહિલા બેઠી છે અને સફળતાપૂર્વક સરકાર ચલાવી રહી છે. તેમણે સવાલ કર્યો કે શું રાજકારણમાં ભૂલથી કોઈ શબ્દ બદલાઈ જાય તો તેને આ રીતે રાષ્ટ્રીય કક્ષાએ બદનામ કરવાનું સાધન બનાવવું યોગ્ય છે? મુખ્યમંત્રીએ કહ્યું કે આ પ્રકારની મજાક તેમને વ્યક્તિગત રીતે ખૂબ જ દુઃખ પહોંચાડે છે અને તે દિલ્હીની જનતાનું પણ અપમાન છે.
વિપક્ષ પર વળતો પ્રહાર કરતા મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારનો મુદ્દો પણ છેડ્યો હતો. તેમણે કહ્યું કે, "મેં તો અકસ્માતે શબ્દોની ભૂલ કરી છે, પણ આમ આદમી પાર્ટીએ તો દિલ્હીની જનતા સાથે જાણીજોઈને દગો કર્યો છે." તેમણે 'શીશમહેલ'નો ઉલ્લેખ કરતા કહ્યું કે જે લોકોએ બંગલા કે ગાડી ન લેવાની કસમ ખાધી હતી, તેઓ આજે ભ્રષ્ટાચારના કિલ્લામાં બેઠા છે. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર મુખ્યમંત્રીના 'બુલેટ ટ્રેન' વાળા નિવેદનનો વીડિયો શેર કરીને કટાક્ષ ચાલુ રાખ્યો છે, જેના કારણે દિલ્હીનું રાજકારણ હવે ડિજિટલ વોર અને વ્યક્તિગત આક્ષેપોમાં ફેરવાઈ ગયું છે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
