<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

સંભલમાં 'એક્શન પાર્ટ-2': બુલડોઝર બાદ હવે પ્રશાસનનો આર્થિક પ્રહાર; ગેરકાયદે મસ્જિદ, મદરેસા અને મકાનો પાસેથી વસૂલાશે લાખોનો દંડ

દંડ નહીં ભરો તો મિલકત જપ્ત કરી હરાજી કરાશે; સલેમપુર અને રાયા બુઝુર્ગમાં કરોડોની સરકારી જમીન ખાલી કરાવ્યા બાદ પ્રશાસને રિકવરી સર્ટિફિકેટ (RC) ફાડયા

સંભલ : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સરકારી જમીનોને કબજામુક્ત કરવાનું અભિયાન હવે બીજા અને વધુ કડક તબક્કામાં પહોંચી ગયું છે. રવિવારે થયેલી બુલડોઝર કાર્યવાહી બાદ હવે પ્રશાસને ગેરકાયદેસર કબજો કરનારાઓ પર આર્થિક સકંજો કસવાની તૈયારી કરી લીધી છે. સરકારી જમીન પર બનેલી મસ્જિદો અને મદરેસાઓ પર માત્ર બુલડોઝર જ નહીં ચાલે, પરંતુ કબજેદારો પાસેથી લાખો રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે.
   પ્રશાસન દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, સલેમપુર સાલાર (હાજીપુર) માં મદીના મસ્જિદ પર ૮ લાખ રૂપિયા અને મદરેસા પર ૫૧ લાખ રૂપિયાનો તોતિંગ દંડ ફટકારવામાં આવ્યો છે. તેવી જ રીતે, રાયા બુઝુર્ગ ગામમાં ગૌસુલબરા મસ્જિદ પર ૮ લાખ અને મદરેસા પર ૬ લાખ રૂપિયાનો દંડ લાદવામાં આવ્યો છે. જે લોકોએ તળાવની જમીન પર મકાનો બનાવ્યા છે તેમની પાસેથી પણ ૧.૨૪ લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવશે. પ્રશાસને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો આ દંડ સમયસર ભરવામાં નહીં આવે, તો તેમની મિલકતો કુર્ક (જપ્ત) કરીને હરાજી કરવામાં આવશે.
    બીજી તરફ, ચૌધરી સરાય વિસ્તારમાં દાદા મિયાંની મઝાર પાસે આવેલી મસ્જિદને લઈને પણ વિવાદ વકર્યો છે. પ્રશાસને આ મસ્જિદને ૧૫ દિવસમાં હટાવવા માટે નોટિસ આપી છે. જોકે, મસ્જિદના મુતવલ્લી મોહમ્મદ સુલતાને દાવો કર્યો છે કે આ મસ્જિદ અને મઝાર ૭૦૦ થી ૮૦૦ વર્ષ જૂના છે અને તેમના પૂર્વજોના સમયથી છે. તેમણે પ્રશાસનની આ કાર્યવાહી સામે કાનૂની લડત આપવાની વાત કરી છે.
   સંભલના સરાયતરીન વિસ્તારમાં પ્રશાસનની તપાસમાં જાણવા મળ્યું છે કે આશરે ૫ વીઘા તળાવની જમીન પર ૪૦ થી વધુ પાકા મકાનો બની ગયા છે. નાયબ તહેસીલદારની ટીમે સ્થળ પર પહોંચીને જમીનની માપણી શરૂ કરતા જ સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પ્રશાસને સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનો ગેરકાયદે કબજો સાંખી લેવામાં આવશે નહીં, પછી તે ધાર્મિક હોય કે અંગત

(8:28 PM IST)