<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

૧૫ જાન્યુઆરીએ શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે પણ સેટલમેન્ટ બંધ: મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે NSEનો મોટો નિર્ણય, જાણો તમારા પોર્ટફોલિયો પર શું થશે અસર

રાજ્ય સરકારે ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેર રજા જાહેર કરી; NSE અને BSE પર રાબેતા મુજબ થશે ખરીદ-વેચાણ, પરંતુ T+0 સેટલમેન્ટ નહીં થાય

મુંબઈ: આગામી  ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ નિમિત્તે રોકાણકારોમાં મૂંઝવણ હતી કે શેરબજાર બંધ રહેશે કે ખુલ્લું? નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ સ્પષ્ટતા કરી છે કે આ દિવસે શેરબજારમાં ટ્રેડિંગ ચાલુ રહેશે, એટલે કે તમે શેરની ખરીદી અને વેચાણ કરી શકશો. જોકે, આ દિવસને 'સેટલમેન્ટ હોલિડે' તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
 સરળ શબ્દોમાં કહીએ તો, ૧૫ જાન્યુઆરીએ તમે શેર બજારમાં સોદા કરી શકશો, પરંતુ તે સોદાઓનું સત્તાવાર પતાવટ (Settlement) તે દિવસે થશે નહીં. NSE ના જણાવ્યા અનુસાર, આ દિવસે T+0 સેટલમેન્ટ સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં. આનો અર્થ એ છે કે ૧૪ અને ૧૫ જાન્યુઆરીએ કરેલા ટ્રેડ્સનું સેટલમેન્ટ હવે ૧૬ જાન્યુઆરીએ થશે.
 મહારાષ્ટ્ર સરકારે ૨૯ મહાનગરપાલિકાઓ (જેમાં BMC, પુણે, થાણે વગેરેનો સમાવેશ થાય છે) માં મતદાન માટે ૧૫ જાન્યુઆરીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ જાહેર રજા જાહેર કરી છે. આ દિવસે તમામ સરકારી અને ખાનગી કચેરીઓ તેમજ બેંકોમાં રજા રહી શકે છે, જેથી વધુમાં વધુ લોકો મતદાન કરી શકે. મતગણતરી ૧૬ જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.
રોકાણકારોએ શું ધ્યાન રાખવું?
• બેંકિંગ વ્યવહાર: બેંકો બંધ હોવાને કારણે ફંડ ટ્રાન્સફર અથવા પે-આઉટમાં વિલંબ થઈ શકે છે.
• વ્યૂહરચના: જો તમારી પાસે ૧૫ જાન્યુઆરીએ કોઈ પોઝિશનની એક્સપાયરી (જેમ કે સેન્સેક્સ એફએન્ડઓ) હોય, તો તે રાબેતા મુજબ ચાલશે, પરંતુ ફંડ સેટલમેન્ટમાં એક દિવસનો વિલંબ ધ્યાનમાં રાખવો.
• માર્જિન: બેંક હોલિડે હોવાથી અગાઉથી માર્જિનની વ્યવસ્થા રાખવી હિતાવહ છે.
NSE એ તમામ સભ્યો અને રોકાણકારોને સલાહ આપી છે કે તેઓ કોઈપણ અસુવિધા ટાળવા માટે આ સેટલમેન્ટ હોલિડે મુજબ જ પોતાના સોદાઓનું આયોજન કરે.

(9:15 PM IST)