<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

બ્રહ્માંડ જેવી ગતિ, અજેય શક્તિ: DRDOના 'સ્ક્રેમજેટ' પરીક્ષણે ચીન-પાકિસ્તાનની ઉંઘ ઉડાડી

6,100 KM/H ની સ્પીડ સાથે ભારતે રચ્યો ઈતિહાસ: 12 મિનિટ સુધી હવામાં ગુંજ્યો સ્વદેશી એન્જિનનો હુંકાર : અમેરિકા-રશિયા-ચીન બાદ ભારત ચોથો સુપરપાવર જેની હાઈપરસોનિક મિસાઈલને રોકવી દુનિયાની કોઈપણ ડિફેન્સ સિસ્ટમ માટે અશક્ય

નવી દિલ્હી:  ભારતીય સંરક્ષણ ક્ષેત્રે આજે એક એવો સૂર્યોદય થયો છે જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ 9 જાન્યુઆરી, 2026 ના રોજ 'સ્ક્રેમજેટ એન્જિન'નું 12 મિનિટ સુધી સફળ પરીક્ષણ કરીને ભારતને 'હાઈપરસોનિક સુપરપાવર'ની હરોળમાં લાવી દીધું છે. હૈદરાબાદની પ્રયોગશાળામાં થયેલું આ પરીક્ષણ માત્ર એક એન્જિનની ચકાસણી નહોતી, પરંતુ ભારતની "આત્મનિર્ભર શક્તિ"નું એવું પ્રદર્શન હતું જે સાબિત કરે છે કે હવે ભારતીય મિસાઈલો અવાજની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે (મેક 5+) દુશ્મનો પર ત્રાટકશે. આ ટેકનોલોજીની સફળતા સાથે ભારત હવે આંખના પલકારામાં એટલે કે સેકન્ડના પણ ભાગમાં હજારો કિલોમીટર દૂર બેઠેલા દુશ્મનના ઠેકાણાઓને રાખ કરી શકવા સક્ષમ બન્યું છે.

સ્ક્રેમજેટ એન્જિનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે વાતાવરણમાંથી સીધો ઓક્સિજન ખેંચે છે, જેના કારણે મિસાઈલનું વજન ઘણું ઘટી જાય છે અને તેની ક્ષમતા અનેકગણી વધી જાય છે. 6,100 કિમી/કલાકની આ અકલ્પનીય ગતિનો સામનો કરવા માટે હાલમાં વિશ્વમાં એક પણ એવી મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ નથી જે તેને ટ્રેક કરી શકે અથવા રસ્તામાં જ તોડી પાડી શકે. રશિયાની અત્યાધુનિક S-400 સિસ્ટમ પણ આ હાઈપરસોનિક ગતિ સામે વામણી સાબિત થાય છે. ભારતીય વૈજ્ઞાનિકોએ 'એક્ટિવ કૂલિંગ' ટેકનોલોજીમાં નિપુણતા મેળવીને એ સાબિત કરી દીધું છે કે અતિશય ગરમીમાં પણ આપણું એન્જિન પીગળ્યા વગર કામ કરી શકે છે, જે અત્યાર સુધી માત્ર મુઠ્ઠીભર દેશો પાસે જ હતું.

વ્યૂહાત્મક રીતે જોઈએ તો, આ સિદ્ધિ ચીન અને પાકિસ્તાન જેવા પાડોશી દેશો માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. હવે ભારત તેની સરહદો ઓળંગ્યા વિના પણ દુશ્મન દેશના ઊંડા સુરક્ષિત બંકરો અને સૈન્ય મથકોને સેકન્ડોમાં નિશાન બનાવી શકશે. આ ટેકનોલોજી 'સર્જિકલ સ્ટ્રાઈક'ની વ્યાખ્યા જ બદલી નાખશે, કારણ કે હુમલો ક્યાંથી આવ્યો અને ક્યારે થયો તે જાણવા માટે દુશ્મનને સમય જ નહીં મળે. DRDO ની આ સફળતા માત્ર લશ્કરી તાકાત જ નહીં, પણ ગર્વભેર કહી શકાય કે ભારત હવે સંરક્ષણ ટેકનોલોજીના મામલે કોઈના પર નિર્ભર નથી, બલ્કે વિશ્વને નવી દિશા બતાવી રહ્યું છે.

(10:24 PM IST)