ટ્રમ્પનો પુતિન પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’ જેવો પ્રહાર: કેરેબિયન સમુદ્રમાં રશિયન તેલ ટેન્કર જપ્ત, સમુદ્રી સીમામાં અમેરિકાની મોટી કાર્યવાહી
વેનેઝુએલા પર હુમલાની બીજી લહેર રદ કર્યા બાદ રશિયાને ઘેરવાની નવી રણનીતિ; ત્રિનિદાદ નજીક ‘ઓલિના’ ટેન્કર પકડાયું, બે રશિયન નાગરિકોને મુક્ત કરાયા

વોશિંગ્ટન : વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને આર્થિક અને સામરિક મોરચે ઘેરવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. અમેરિકી કોસ્ટ ગાર્ડ અને 'જોઈન્ટ ટાસ્ક ફોર્સ સધર્ન સ્પીયર' દ્વારા હાથ ધરવામાં આવેલા એક ગુપ્ત ઓપરેશનમાં કેરેબિયન સમુદ્રમાં રશિયન તેલ ટેન્કર 'ઓલિના' ને જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્રિનિદાદ નજીક રાતોરાત કરવામાં આવી હતી, જે તાજેતરના અઠવાડિયામાં અમેરિકા દ્વારા જહાજ જપ્ત કરવાની પાંચમી મોટી ઘટના છે.
શિપિંગ ડેટાબેઝના રિપોર્ટ્સ અનુસાર, આ ટેન્કર તિમોર લેસ્ટેનો ખોટો ધ્વજ લહેરાવીને મુસાફરી કરી રહ્યું હતું. તે વેનેઝુએલાથી રવાના થયું હતું અને શુક્રવારે જ્યારે તેને જપ્ત કરવામાં આવ્યું ત્યારે તે ફરીથી તે જ પ્રદેશમાં પરત ફરી રહ્યું હતું. આ કાર્યવાહી દ્વારા અમેરિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે રશિયન તેલના ગેરકાયદેસર પરિવહન પર તેની ચાંપતી નજર છે.
બીજી તરફ, ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા અંગે નરમ વલણ અપનાવતા જણાવ્યું છે કે વેનેઝુએલા સરકાર રાજકીય કેદીઓને મુક્ત કરી રહી છે, જે શાંતિ માટેનું એક સમજદાર પગલું છે. આથી, ટ્રમ્પે અગાઉ નક્કી કરેલા હુમલાઓની બીજી લહેર રદ કરી દીધી છે. ટ્રમ્પે એમ પણ ઉમેર્યું કે 'BIG OIL' કંપનીઓ વેનેઝુએલાના તેલ અને ગેસ માળખાને આધુનિક બનાવવા માટે $100 બિલિયનનું રોકાણ કરશે.
આ તણાવ વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે અમેરિકાએ ટેન્કર 'મરીનેરા' માંથી પકડાયેલા બે રશિયન ક્રૂ સભ્યોને મુક્ત કરવાનો નિર્ણય લીધો છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ આ નિર્ણયનું સ્વાગત કરતા ટ્રમ્પ સરકારનો આભાર માન્યો છે. જોકે, સમુદ્રમાં સુરક્ષાના કારણોસર હજુ પણ અમેરિકી જહાજો ખડેપગે તેના સ્થાને તૈનાત રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
