કુદરતનો કહેર: એકસાથે ૪ ચક્રવાતી સિસ્ટમ સક્રિય થતા ભારતભરમાં ભારે વરસાદ અને કરાની આફત, માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના
ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી અને ધુમ્મસનું સામ્રાજ્ય, તો દક્ષિણમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; આગામી ૪૮ કલાકમાં પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં કરા પડવાની આગાહી

નવી દિલ્હી: દેશના હવામાનમાં એકાએક મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ (IMD) ની નવીનતમ આગાહી મુજબ, ભારતીય ક્ષેત્ર પર એકસાથે ચાર અલગ-અલગ ચક્રવાતી પરિભ્રમણ સક્રિય થયા છે. આ જટિલ હવામાન પ્રણાલીઓને કારણે આગામી થોડા દિવસોમાં દેશના અનેક ભાગોમાં ભારે વરસાદ, કરા અને ગાઢ ધુમ્મસની સ્થિતિ સર્જાશે. આ સિવાય, ઉત્તરપશ્ચિમ ભારતમાં 'સબટ્રોપિકલ વેસ્ટર્ન જેટ સ્ટ્રીમ' ની હાજરી હવામાનને વધુ આક્રમક બનાવી રહી છે.
ક્યાં ક્યાં સક્રિય છે આ ચક્રવાતી સિસ્ટમ?
૧. પંજાબ-પાકિસ્તાન સરહદ: પશ્ચિમી વિક્ષેપને કારણે નીચલા સ્તરે એક સિસ્ટમ કાર્યરત છે.
૨. હરિયાણા: રાજ્યની ઉપર બીજું પ્રેરિત ચક્રવાતી પરિભ્રમણ રચાયું છે.
૩. ઉત્તરપૂર્વ આસામ: પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદ લાવનારી સિસ્ટમ સક્રિય છે.
૪. અરબી સમુદ્ર-કેરળ કિનારો: દક્ષિણ ભારતમાં ભેજવાળા પવનો અને ભારે વરસાદ માટે જવાબદાર સિસ્ટમ અહીં હાજર છે.
દક્ષિણ અને ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી: બંગાળની ખાડીમાં સર્જાયેલા ઊંડા દબાણને કારણે તમિલનાડુમાં ૯ અને ૧૦ જાન્યુઆરીએ ભારેથી અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તે જ સમયે, નિકોબાર ટાપુઓમાં ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર ભારતની વાત કરીએ તો, ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં કરા પડવાની શક્યતા છે, જે ખેતીના પાકને નુકસાન પહોંચાડી શકે છે.
રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને બિહારમાં આગામી ૧૨ જાન્યુઆરી સુધી 'અતિ ગાઢ ધુમ્મસ' ની ચેતવણી આપવામાં આવી છે, જેનાથી વિઝિબિલિટી ઘટી શકે છે અને વાહનવ્યવહારને અસર થશે. ઉત્તરાખંડમાં જમીન પર હિમવર્ષા (Frost) થવાની સંભાવના છે, જ્યારે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં 'કોલ્ડ વેવ' ની સ્થિતિ રહેશે.
ખરાબ હવામાન અને ઊંચા મોજા ઉછળવાની ભીતિને કારણે માછીમારોને મન્નારની ખાડી, શ્રીલંકા કિનારો અને તમિલનાડુ-પુડુચેરીના દરિયાકાંઠે ન જવાની કડક તાકીદ કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને વીજળીના કડાકા વખતે સુરક્ષિત સ્થાને રહેવા અને ઠંડીથી બચવા યોગ્ય સાવચેતી રાખવા અપીલ કરી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
