<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હૈદરાબાદમાં માનવતા શરમાઈ: માસૂમ ગલુડિયા પર 'ઇરાદાપૂર્વક' કાર ફેરવી દેનાર શખ્સ સામે ગુનો દાખલ, ૫ વર્ષની જેલ થઈ શકે છે

સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ક્રૂરતાની પરાકાષ્ઠા; ગલુડિયાને કચડ્યા બાદ શખ્સે નિર્લજ્જતાથી કહ્યું- "મને અહીં કોઈ કૂતરો નથી જોઈતો", પેટા (PETA) એ પણ નોંધાવ્યો વિરોધ

હૈદરાબાદ : તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતાનો એક અત્યંત વિચલિત કરનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હૈદરાબાદના સરૂરનગર વિસ્તારમાં એક વ્યક્તિએ રસ્તા પર રમી રહેલા ગલુડિયાઓ પર જાણીજોઈને કાર ચઢાવી દીધી હતી, જેમાં એક માસૂમ ગલુડિયાનું દર્દનાક મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ કડક કલમો હેઠળ એફઆઈઆર (FIR) નોંધી છે.
સીસીટીવીમાં દેખાઈ આરોપીની હેવાનીયત
ઘટના ૨ જાન્યુઆરીની છે, જેમાં ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે પાંચ નાના ગલુડિયાઓ રસ્તા પર બેઠા હતા. એક કાર ધીમેથી તેમની નજીક આવી અને એક ગલુડિયાને ટક્કર મારી તેને નીચે કચડી નાખ્યું. આટલું કર્યા પછી પણ ડ્રાઈવર રોકાયા વગર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સ્થાનિક રહેવાસી સોનાલી ભૌમિક અને પ્રાણી અધિકાર સંસ્થા 'પેટા ઇન્ડિયા' (PETA India) ના હસ્તક્ષેપ બાદ પોલીસે શ્રવણ નામના શખ્સ સામે કેસ નોંધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે આરોપીનો સામનો કરવામાં આવ્યો ત્યારે તેણે જરા પણ પસ્તાવો કર્યા વગર કહ્યું કે, "મને અહીં કોઈ કૂતરાઓ જોઈએ જ નથી."
નવા કાયદા (BNS) હેઠળ કાર્યવાહી
હૈદરાબાદ પોલીસે આરોપી શ્રવણ વિરુદ્ધ 'ભારતીય ન્યાય સંહિતા' (BNS), ૨૦૨૩ ની કલમ ૩૨૫ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કલમ હેઠળ કોઈપણ પ્રાણીને અપંગ બનાવવા અથવા મારી નાખવા બદલ ૫ વર્ષ સુધીની જેલની સજા અને દંડની જોગવાઈ છે. સ્ટેશન હાઉસ ઓફિસર વી. સૈદી રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે મૂંગા પ્રાણીઓ પર થતો અત્યાચાર ચલાવી લેવામાં આવશે નહીં.
મનોવૈજ્ઞાનિક પાસું: પ્રાણીઓ પર હિંસા એ મોટા ગુનાની નિશાની?
પેટા ઇન્ડિયાના પ્રતિનિધિ સિંચના સુબ્રમણ્યમે આ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, જે લોકો પ્રાણીઓ પ્રત્યે આટલા ક્રૂર હોય છે, તેઓ ભવિષ્યમાં મનુષ્યો પર પણ હુમલો કરે તેવી શક્યતા વધુ હોય છે. વિવિધ અભ્યાસો મુજબ, પ્રાણીઓ પર અત્યાચાર કરનારા વ્યક્તિઓ બળાત્કાર, હત્યા અને લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. સંસ્થાએ આરોપીના માનસિક મૂલ્યાંકન અને કાઉન્સેલિંગની પણ ભલામણ કરી છે.

(9:57 PM IST)