<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

અમેરિકામાં પણ જો ન્યાય અને માનવતા હોય તો માદુરોની જેમ નેતન્યાહૂનું પણ અપહરણ કરે : પાક રક્ષામંત્રીનું સ્ફોટક નિવેદન

જીયો ન્યુઝના 'કેપિટલ ટોક' શોમાં પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનો બફાટ: ઇઝરાયલી વડાપ્રધાનને ૪૦૦૦ વર્ષના ઇતિહાસના 'સૌથી મોટા ગુનેગાર' ગણાવ્યા !

ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે તાજેતરમાં એક ટીવી ડિબેટ દરમિયાન અમેરિકા અને ઇઝરાયલને લઈને અત્યંત વિવાદાસ્પદ અને ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. જીયો ન્યુઝના પ્રખ્યાત કાર્યક્રમ 'કેપિટલ ટોક'માં વરિષ્ઠ પત્રકાર અને એન્કર હામિદ મીર સાથેની વાતચીતમાં તેમણે અમેરિકાને પડકાર ફેંકતા કહ્યું હતું કે જો અમેરિકામાં સાચે જ માનવતા અને ન્યાય જેવું કશું હોય, તો તેમણે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની જેમ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું પણ 'અપહરણ' (ધરપકડ) કરવું જોઈએ.

 

'માદુરોની જેમ નેતન્યાહૂને પણ ઉઠાવી લેવા જોઈએ'

 

તાજેતરમાં અમેરિકા દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઘટનાનો સંદર્ભ ટાંકીને ખ્વાજા આસિફે કહ્યું હતું કે, "જો અમેરિકા માનવતામાં માનતું હોય તો હવે પછીનો વારો નેતન્યાહૂનો હોવો જોઈએ. જે રીતે માદુરોને લઈ જવામાં આવ્યા, તે જ રીતે નેતન્યાહૂને પણ પકડી લેવા જોઈએ." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તુર્કી અથવા અમેરિકાએ આ પગલું ભરવું જોઈએ અને પાકિસ્તાનીઓ આ માટે પ્રાર્થના કરી રહ્યા છે.

 

નેતન્યાહૂ : માનવતાના સૌથી મોટા ગુનેગાર

 

ગાઝા યુદ્ધનો ઉલ્લેખ કરતા પાકિસ્તાની રક્ષામંત્રીએ ઇઝરાયલના વડાપ્રધાન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, "છેલ્લા ૪૦૦૦ થી ૫૦૦૦ વર્ષના ઇતિહાસમાં કોઈ પણ સમુદાય સાથે આવો અન્યાય નથી થયો જેવો પેલેસ્ટાઈનીઓ સાથે થયો છે. નેતન્યાહૂ માનવતાના સૌથી મોટા ગુનેગાર છે અને વિશ્વએ આનાથી મોટો અપરાધી ક્યારેય જોયો નથી."

 

હામિદ મીરે વાતચીત અટકાવવી પડી

આ ઈન્ટરવ્યુ દરમિયાન એક ક્ષણ એવી પણ આવી જ્યારે ખ્વાજા આસિફ અમેરિકી નેતૃત્વ અને કાયદાઓ વિશે વધુ આકરું બોલવા જઈ રહ્યા હતા. તેમણે વાક્ય શરૂ કર્યું કે "જે લોકો આવા ગુનેગારોને સાથ આપે છે તેમના વિશે કાયદો શું કહે છે..." ત્યારે એન્કર હામિદ મીરે તેમને વચ્ચેથી અટકાવ્યા હતા અને બ્રેક લેવાની જાહેરાત કરી હતી. હામિદ મીરે ચેતવણી આપી હતી કે તેમના આ નિવેદનોનો ખોટો અર્થ નીકળી શકે છે અને તેના ગંભીર રાજદ્વારી પરિણામો આવી શકે છે.

 

આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર આ ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની નોંધ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ઇઝરાયલ સાથે કોઈ રાજદ્વારી સંબંધો ધરાવતું નથી અને પેલેસ્ટાઈન મુદ્દે હંમેશા આક્રમક વલણ અપનાવતું રહ્યું છે.

(9:33 AM IST)