<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

વિદેશ જઈ રહેલા મિત્રને એરપોર્ટ મૂકવા જતી કારની બસ સાથે ભયાનક ટક્કર: ૪ મિત્રોના કમકમાટીભર્યા મોત

 

હોશિયારપુર: પંજાબના હોશિયારપુર જિલ્લામાં શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે એક હચમચાવી દેનારી દુર્ઘટના બની છે જેમાં ચાર આશાસ્પદ યુવાન મિત્રોના મોત નિપજ્યા છે. દસૂહા મુખ્ય માર્ગ પર અડ્ડા દોસડકા નજીક એક રોડવેઝ બસ અને કાર વચ્ચે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચપાઈ ગયો હતો અને કારમાં સવાર લોકો અંદર જ ફસાઈ ગયા હતા.

 

કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ હિમાચલ પ્રદેશના ગગરેટ વિસ્તારના વતની હતા. તેઓ તેમના મિત્ર અમૃત કુમારને વિદેશ જવા માટે અમૃતસર એરપોર્ટ પર ડ્રોપ કરવા (મૂકવા) જઈ રહ્યા હતા. વિદેશ જવાની ખુશી સાથે નીકળેલા મિત્રોને રસ્તામાં જ કાળ ભેટી ગયો હતો. કુદરતની કરૂણતા એ છે કે, જે મિત્ર અમૃત કુમારને વિદેશ જવાનું હતું તેઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા છે અને બચી ગયા છે, જ્યારે તેમને વળાવવા આવેલા ચારેય મિત્રોના મોત થયા છે.

 

મૃતકોમાં સુખવિંદર સિંહ (ઉં.૪૫), સુશીલ કુમાર (ઉ.૪૬), બ્રિજ કુમાર (ઉં.૩૮) અને અરુણ કુમાર (ઉં. ૪૫), મૃતકો હિમાચલ પ્રદેશના દૌલતપુર નજીકના ચલેત ગામના રહેવાસી હતા.

(10:28 AM IST)