<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ગાઝીપુર સરહદ પર સંગ્રામ: સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ સામસામે : મેરઠના ‘કાપસદ હત્યાકાંડ’ બાદ રાજકીય ગરમાવો

ગાઝીપુર બોર્ડર પર ભારે તણાવ વચ્ચે આઝાદ સમાજ પાર્ટીના વડાએ બેરિકેડ્સ તોડવાનો પ્રયાસ કર્યો : મેરઠમાં દલિત મહિલાની હત્યા અને પુત્રીના અપહરણ બાદ પીડિત પરિવારને મળવા જતા સાંસદને રોકવામાં આવતા કાર્યકરોમાં ઉગ્ર રોષ

ગાઝિયાબાદ: દિલ્હી-યુપીની ગાઝીપુર સરહદ શનિવારે રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી જ્યારે નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદને મેરઠ જતા અટકાવવામાં આવ્યા હતા. મેરઠના સરધના વિસ્તારમાં આવેલા કાપસદ ગામમાં એક દલિત મહિલાની નિર્મમ હત્યા અને તેની ૨૦ વર્ષની પુત્રીના અપહરણની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ પીડિત પરિવારને સાંત્વના આપવા જઈ રહેલા આઝાદના કાફલાને યુપી પોલીસે કાયદો અને વ્યવસ્થાનું કારણ ધરીને સરહદ પર જ રોકી દેતા મામલો બિચક્યો હતો. સાંસદ આઝાદે પોતે કારમાંથી નીચે ઉતરીને પોલીસ બેરિકેડ્સને ધક્કો માર્યો હતો અને દલીલ કરી હતી કે એક ચૂંટાયેલા જનપ્રતિનિધિને આ રીતે રોકવા તે ગેરબંધારણીય છે.

પોલીસ અને આઝાદના સમર્થકો વચ્ચે થયેલી ઝપાઝપીને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. આઝાદે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "ઉત્તર પ્રદેશમાં ગુનેગારો બેફામ છે અને સરકાર પીડિતોને ન્યાય અપાવવાને બદલે વિપક્ષનો અવાજ દબાવવામાં વ્યસ્ત છે." તેમણે આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની સાથે અભદ્ર વર્તન કર્યું અને તેમને ધક્કે ચઢાવ્યા હતા. બીજી તરફ, વહીવટીતંત્રે દલીલ કરી હતી કે મેરઠના કાપસદ ગામમાં પહેલેથી જ સ્થિતિ સંવેદનશીલ છે અને કોઈપણ રાજકીય હસ્તક્ષેપ ત્યાં સાંપ્રદાયિક કે જ્ઞાતિવાદી તણાવ વધારી શકે છે, જેના કારણે સાવચેતીના ભાગરૂપે આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

મેરઠની આ ઘટનામાં મુખ્ય આરોપી પારસ અને તેના સાથીઓએ ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી તેને મોતના ઘાટ ઉતારી હતી અને તેની પુત્રીનું અપહરણ કર્યું હતું. આ મામલે રાજકીય વળાંક ત્યારે આવ્યો જ્યારે માયાવતી અને અખિલેશ યાદવ જેવા દિગ્ગજ નેતાઓએ પણ સરકાર પર નિશાન સાધ્યું. હાલમાં કાપસદ ગામમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે અને આરોપીઓને પકડવા માટે પાંચ ટીમો બનાવવામાં આવી છે. આઝાદે સ્પષ્ટ કર્યું છે કે જો પીડિતાને તાત્કાલિક ન્યાય નહીં મળે અને અપહરણ કરાયેલી દીકરીને હેમખેમ પરત લાવવામાં નહીં આવે તો તેઓ રાજ્યવ્યાપી આંદોલન કરશે.

(5:51 PM IST)