<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

યુપી બોર્ડર પર હાઈવોલ્ટેજ ડ્રામા: સાંસદ ચંદ્રશેખર આઝાદ અને પોલીસ વચ્ચે જોરદાર ઝપાઝપી, મેરઠ જવાના જીદમાં હજારો વાહનો ટ્રાફિક જામમાં ફસાયા

દલિત મહિલાની હત્યા મામલે પીડિત પરિવારને મળવા નીકળેલા આઝાદને ગાઝિયાબાદ પોલીસે અટકાવ્યા; દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, કલાકો સુધી એમ્બ્યુલન્સ અને મુસાફરો અટવાયા

ગાઝિયાબાદ: ઉત્તર પ્રદેશની સરહદ આજે રાજકીય અખાડો બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. નગીનાના સાંસદ અને આઝાદ સમાજ પાર્ટીના વડા ચંદ્રશેખર આઝાદને ગાઝિયાબાદ પોલીસે દિલ્હી-મેરઠ એક્સપ્રેસવે (DME) પર રોકતા ભારે હોબાળો મચ્યો હતો. મેરઠમાં બનેલી એક હૃદયદ્રાવક ઘટનાના પીડિત પરિવારને મળવા જઈ રહેલા ચંદ્રશેખર અને પોલીસ વચ્ચે રસ્તા પર જ ઉગ્ર દલીલો અને ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
 મેરઠમાં તાજેતરમાં એક દલિત મહિલાની નિર્મમ હત્યા અને તેની પુત્રીના અપહરણની ઘટના બની હતી. આ મામલે પીડિત પરિવારને સાંત્વના આપવા અને ન્યાયની માંગ કરવા સાંસદ ચંદ્રશેખર આઝાદ દિલ્હીથી મેરઠ તરફ રવાના થયા હતા. જોકે, કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કારણ આપી પોલીસે તેમને યુપી ગેટ પર જ અટકાવી દીધા હતા. પોલીસે વેદાંત ફાર્મ હાઉસ પાસે આખો રસ્તો સીલ કરી દેતા ચંદ્રશેખર આઝાદ રસ્તા પર જ બેસી ગયા હતા.
 મુસાફરોની માઠી દશા: પોલીસ અને સાંસદ વચ્ચેની આ લડાઈમાં સામાન્ય જનતા પીસાઈ રહી છે. પોલીસે મેરઠ જતી લેન બંધ કરી દેતા NH-9 અને DME પર કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. કાલચીના સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. ટ્રાફિકને હાપુડ તરફ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સેંકડો વાહનો રસ્તાની વચ્ચે ફસાયેલા છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ અને બહારગામ જતી બસો પણ અટવાઈ પડી હોવાના અહેવાલ છે.
 પરિસ્થિતિની ગંભીરતાને જોતા ડીસીપી રૂરલ અને ડીસીપી ટ્રાન્સ હિંડન સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે. મેરઠમાં પણ કાશી ટોલ પ્લાઝાને સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસનું કહેવું છે કે સુરક્ષાના કારણોસર કોઈ પણ રાજકીય નેતાને અત્યારે મેરઠમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય તેમ નથી. બીજી તરફ, ચંદ્રશેખર આઝાદે ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમને પીડિત પરિવારને મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ પીછેહઠ કરશે નહીં. યુપી બોર્ડર પર અત્યારે તણાવપૂર્ણ શાંતિ છે અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો ખડેપગે છે.

(8:17 PM IST)