૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
રામ જન્મભૂમિમાં ઘૂસણખોરી કે મોટું કાવતરું? : અયોધ્યાના મંદિર પરિસરમાં નમાઝ પઢતા કાશ્મીરી શખ્સની ધરપકડથી સનસનાટી
શ્રીનગરથી અયોધ્યા પહોંચેલા 55 વર્ષીય અહેમદ શેખે સીતા રસોઈ પાસે નમાઝ પઢવાનું શરૂ કરતા ભક્તોમાં ફાળ પડી : સુરક્ષા એજન્સીઓએ શખ્સની કુંડળી ખંગાળવા કાશ્મીર સુધી તપાસનો ધમધમોટ તેજ કર્યો : હાઈ-એલર્ટ જાહેર

અયોધ્યા: રામ મંદિરની અત્યંત સુરક્ષિત ગણાતી 'રેડ ઝોન' સુરક્ષા વ્યવસ્થામાં ગાબડું પડ્યું હોય તેવી ઘટના શનિવારે સામે આવી છે. શ્રીનગરના શોપિયાંથી આવેલા અહેમદ શેખ નામના એક શખ્સે ગેટ નંબર D1 થી પ્રવેશ કરી રામલલ્લાના દર્શન કર્યા બાદ સીતા રસોઈ પાસે નમાઝ પઢવાનું શરૂ કર્યું હતું. કાશ્મીરી પોશાકમાં સજ્જ આ વ્યક્તિને જોઈને ત્યાં હાજર ભક્તો સ્તબ્ધ થઈ ગયા હતા અને તુરંત સુરક્ષાકર્મીઓને જાણ કરી હતી. જ્યારે સુરક્ષા દળોએ તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દેતા પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેની અટકાયત કરી છે અને તેની પાસેથી ડાયરી તેમજ અન્ય શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી આવી છે.
આ ઘટના બાદ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને સ્થાનિક પોલીસની સ્પેશિયલ ટીમો દ્વારા અહેમદ શેખની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન તેની પાસેથી મળેલી ડાયરીમાં કેટલાક શંકાસ્પદ ફોન નંબરો મળી આવ્યા છે, જેની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીએ જણાવ્યું કે તે અયોધ્યા પછી અજમેર શરીફ જવાનો હતો, પરંતુ સુરક્ષા એજન્સીઓને આ વાત માત્ર બહાનું હોવાની શંકા છે. કાશ્મીરમાંથી અચાનક અયોધ્યા આવીને આ રીતે નમાઝ પઢવી એ કોઈ મોટા ષડયંત્રનો હિસ્સો છે કે કેમ, તે જાણવા માટે યુપી પોલીસની એક ટીમ જમ્મુ-કાશ્મીર પોલીસના સંપર્કમાં છે અને તેની પૃષ્ઠભૂમિની તપાસ કરી રહી છે.
શંકાસ્પદ શખ્સની ધરપકડ બાદ અયોધ્યામાં કિલ્લેબંધી જેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વાર પર શ્રદ્ધાળુઓનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને શહેરમાં કાશ્મીરી શાલ વેચતા ફેરિયાઓની પણ પૂછપરછ શરૂ કરાઈ છે. રામ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્રે હાલમાં આ સંવેદનશીલ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર આને સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં રામ નગરીમાં વાહનોના ચેકિંગ અને ઓળખપત્રોની તપાસ વધુ કડક બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
