<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વ્યક્તિની હત્યા : માર મારવામાં આવ્યો : ઝેર આપીને હત્યા : લઘુમતીઓમાં ભયનો માહોલ

સુનમગંજમાં હિન્દુ યુવકને ઢોર માર માર્યા બાદ ઝેર પાઈ દેવાતા હોસ્પિટલમાં તોડ્યો દમ : મોહમ્મદ યુનુસના શાસનમાં પત્રકારો અને વેપારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને નિશાન બનાવતા કટ્ટરપંથીઓ, ન્યાયની આશા ઠગારી નીવડી

સુનમગંજ:  બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ હિન્દુ સમુદાય માટે લોહીની હોળી ખેલાઈ રહી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. સુનમગંજ જિલ્લામાં જોય મહાપાત્રો નામના હિન્દુ વ્યક્તિ પર સ્થાનિક કટ્ટરપંથીઓએ રાક્ષસી અત્યાચાર ગુજાર્યો હતો. પરિવારના જણાવ્યા અનુસાર, જોયને પહેલા લાકડીઓ અને લોખંડના સળિયા વડે બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બળજબરીથી ઝેર પીવડાવી દેવામાં આવ્યું હતું. અત્યંત નાજુક હાલતમાં તેને સિલહટની મેડિકલ કોલેજમાં ICUમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા અને જોયે અંતિમ શ્વાસ લીધા. આ ઘટનાએ બાંગ્લાદેશમાં વસતા કરોડો હિન્દુઓના હૃદયમાં ધ્રુજારી પેદા કરી દીધી છે.

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસના આવ્યા પછી લઘુમતીઓ પરના હુમલાઓમાં ભયજનક ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં જ અનેક લોહીયાળ ઘટનાઓ બની છે, જેમાં પત્રકાર રાણા પ્રતાપની જાહેરમાં ગોળી મારીને હત્યા, દીપુ ચંદ્ર દાસને ઝાડ સાથે બાંધીને જીવતા સળગાવી દેવાની ઘટના અને વેપારી ખોકન ચંદ્ર દાસની છરીના ઘા મારીને હત્યા જેવી અમાનવીય ઘટનાઓ સામેલ છે. કટ્ટરપંથીઓ દ્વારા ક્યારેક 'ઈશનિંદા'ના નામે તો ક્યારેક જમીન પચાવી પાડવાના ઈરાદે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે હવે સામાન્ય લઘુમતી નાગરિકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે.

માનવાધિકાર સંગઠનો અને સ્થાનિક હિન્દુ નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પોલીસ અને પ્રશાસન જાણી જોઈને આ મામલે ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. ગુનેગારોની તાત્કાલિક ધરપકડ ન થવાને કારણે તેમને મોકળું મેદાન મળી રહ્યું છે. ઢાકાથી લઈને ગ્રામીણ વિસ્તારો સુધી હિન્દુ પરિવારો હવે પલાયન કરવા મજબૂર બન્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ હોવા છતાં બાંગ્લાદેશની વર્તમાન સરકાર લઘુમતીઓને સુરક્ષા આપવામાં સદંતર નિષ્ફળ રહી હોય તેમ જણાય છે. જોય મહાપાત્રોની હત્યા બાદ હવે સમગ્ર વિશ્વની નજર બાંગ્લાદેશના વલણ પર ટકેલી છે.

(9:19 PM IST)