૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
એલોન મસ્કને જોરદાર આંચકો: ઇન્ડોનેશિયાએ ‘ગ્રોક’ AI ચેટબોટ પર પ્રતિબંધ મૂક્યો : ડીપફેક અને અશ્લીલતા ફેલાવવા બદલ કાર્યવાહી
ગ્રોકને બ્લોક કરનાર ઇન્ડોનેશિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો : મહિલાઓ અને સગીર છોકરીઓની બિન-સહમતિપૂર્ણ વાંધાજનક છબીઓ બનાવવાની મંજૂરી આપવા બદલ ‘માનવાધિકારનું ઉલ્લંઘન’ ગણાવી આકરા પ્રહારો : ભારત સહિતના દેશોમાં પણ હવે પ્રતિબંધના ભણકારા

જકાર્તા: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક માટે ટેકનિકલ મુશ્કેલીઓ વધી રહી છે. ઇન્ડોનેશિયા સરકારે મસ્કની xAI કંપની દ્વારા સંચાલિત 'ગ્રોક' (Grok) ચેટબોટને દેશમાં અસ્થાયી રૂપે બ્લોક કરી દીધો છે. ઇન્ડોનેશિયાના સંદેશાવ્યવહાર અને ડિજિટલ મંત્રી મુત્યા હાફિદે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ AI ટૂલ ડિજિટલ સ્પેસમાં નાગરિકોની ગરિમા અને સુરક્ષા માટે મોટું જોખમ છે. ખાસ કરીને ગ્રોકનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી મહિલાઓ અને સગીર છોકરીઓની વાંધાજનક ‘ડીપફેક’ તસવીરો અને અશ્લીલ સામગ્રીને ઇન્ડોનેશિયાએ માનવ અધિકારોનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે. આ કડક કાર્યવાહી કરનારો ઇન્ડોનેશિયા હવે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે.
ગ્રોક પરનો આ પ્રતિબંધ એવા સમયે આવ્યો છે જ્યારે યુરોપથી લઈને એશિયા સુધીના અનેક દેશો એલોન મસ્કના AI ચેટબોટની ‘મનસ્વીતા’ પર સવાલ ઉઠાવી રહ્યા છે. જર્મની, ફ્રાન્સ અને મલેશિયા જેવા દેશોએ ગ્રોક દ્વારા જનરેટ થતી સામગ્રી અંગે પહેલેથી જ તપાસના આદેશ આપ્યા છે. ગ્રોકની ખાસિયત એ છે કે તેમાં સેન્સરશિપ ઓછી છે, પરંતુ આ જ બાબત હવે તેના માટે ગળાનો ફાંસો બની છે. ઇન્ડોનેશિયાની સરકારે ચેતવણી આપી છે કે જ્યાં સુધી કંપની તેની સુરક્ષા ખામીઓ અને નૈતિક માર્ગદર્શિકામાં ફેરફાર નહીં કરે, ત્યાં સુધી આ બ્લોક યથાવત રહેશે.
ભારતમાં પણ ગ્રોકની કાર્યપદ્ધતિને લઈને વિવાદ ગરમાયો છે. ભારત સરકાર xAI દ્વારા આપવામાં આવેલા જવાબોથી સંતુષ્ટ નથી અને ડિજિટલ ઈન્ડિયાના કાયદાઓ હેઠળ કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય સત્તાવાળાઓ ખાસ કરીને સગીરોની સુરક્ષાને લઈને ચિંતિત છે. જો મસ્ક અને તેની ટીમ વિશ્વભરની સરકારોની આ ચિંતાઓને ગંભીરતાથી નહીં લે, તો આગામી દિવસોમાં ગ્રોક પર અનેક દેશોમાં પ્રતિબંધો લાગી શકે છે. હાલમાં તો જકાર્તાના આ નિર્ણયે ટેક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે અને એલોન મસ્કની ‘ફ્રી સ્પીચ’ નીતિ સામે નૈતિકતાના મોટા પ્રશ્નો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
