<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

શેરબજારમાં સ્મોલ-કેપનો ‘ભૂકંપ’: એક જ અઠવાડિયામાં રોકાણકારોના અબજો રૂપિયા સ્વાહા; નાના શેરોમાં 23% સુધીનો કડાકો, જાણો બજાર કેમ ધબાય નમઃ થયું?

છેલ્લા ત્રણ મહિનાનું સૌથી ખરાબ અઠવાડિયું; વિદેશી રોકાણકારોએ ₹9,000 કરોડના શેર વેચીને મચાવ્યો હાહાકાર, ઓઈલ-ગેસ અને એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ધોવાણ, બજેટ 2026 પહેલા રોકાણકારોમાં ફફડાટ

મુંબઈ: શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે આ અઠવાડિયું કોઈ કાળા સપનાથી ઓછું રહ્યું નથી. ખાસ કરીને નાના અને મધ્યમ કદના (Small-cap & Mid-cap) શેરોમાં જે રીતે વેચવાલીનું તોફાન આવ્યું છે, તેણે રોકાણકારોના પોર્ટફોલિયોમાં મોટું ગાબડું પાડ્યું છે. વધતા જતા વૈશ્વિક તણાવ અને વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવેલી આક્રમક વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં 2.5% જેટલો ઘટાડો નોંધાયો છે, જે છેલ્લા ત્રણ મહિનાનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન છે.
100થી વધુ શેરો ગબડ્યા: બજારમાં સૌથી વધુ માર સ્મોલ-કેપ ઈન્ડેક્સને પડ્યો છે, જે લગભગ 4% જેટલો તૂટ્યો છે. આશરે 100 જેટલા સ્મોલ-કેપ શેરો એવા છે જેમાં રોકાણકારોને બે આંકડામાં એટલે કે 10% થી 23% સુધીનું નુકસાન થયું છે. સિસ્ટમેટિક્સ કોર્પોરેટ અને બાલુ ફોર્જ જેવા શેરોમાં તો 23% જેટલો તોતિંગ કડાકો જોવા મળ્યો છે. આ ઉપરાંત કિરી ઇન્ડસ્ટ્રીઝ અને આઈનોક્સ વિન્ડ જેવા જાણીતા નામો પણ વેચવાલીના પ્રવાહમાં તણાઈ ગયા છે.
આ અઠવાડિયે BSE સેન્સેક્સ 2,185 પોઈન્ટના ઘટાડા સાથે 83,576 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 50 ઈન્ડેક્સ 25,683 પર આવી ગયો છે. ક્ષેત્રીય રીતે જોઈએ તો ઓઈલ એન્ડ ગેસ, એનર્જી અને ઈન્ફ્રા સેક્ટરમાં 5% સુધીનું ધોવાણ થયું છે. જોકે, આ મંદીના માહોલમાં પણ નિફ્ટી ડિફેન્સ ઈન્ડેક્સ 1.3% વધ્યો છે, જેણે સંરક્ષણ ક્ષેત્રના રોકાણકારોને થોડી રાહત આપી છે.
 બજારના નિષ્ણાતોના મતે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આ અઠવાડિયે અંદાજે ₹9,209 કરોડના શેર વેચીને બજારમાંથી પીછેહઠ કરી છે. તેની સામે સ્થાનિક રોકાણકારોએ (DII) ₹17,594 કરોડની ખરીદી કરીને બજારને ટેકો આપવાનો પ્રયાસ જરૂર કર્યો, પરંતુ તે પૂરતો સાબિત થયો નહીં. આગામી બજેટ 2026 ને લઈને અનિશ્ચિતતા અને વૈશ્વિક રાજકીય અસ્થિરતાને કારણે રોકાણકારો અત્યારે ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી રહ્યા છે. નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે સ્મોલ-કેપમાં અત્યારે ઉછાળે વેચવાની તક શોધવી જોઈએ અને ક્વાર્ટરના પરિણામો તેમજ બજેટની જાહેરાતો પર નજર રાખવી હિતાવહ છે.


 

(11:35 PM IST)