<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

ગામના ગૌરવનું ‘શાહી’ સ્વાગત: CJI સૂર્યકાંત વતન પેટવાડ પહોંચતા ગ્રામજનો ઢોલના તાલે ઝૂમી ઉઠ્યા; ન્યાયના સર્વોચ્ચ શિખરે પહોંચેલા ‘માટીના લાલ’નું અદકેરું સન્માન

હિસાર અને હાંસીમાં અદ્યતન કોર્ટ સંકુલનું ઉદ્ઘાટન: “ન્યાય હવે સામાન્ય માણસના ઘર આંગણે પહોંચશે”, CJI એ બાળપણની યાદો તાજી કરી; કેન્દ્રીય કાયદા મંત્રી મેઘવાલ અને હરિયાણાના દિગ્ગજ મંત્રીઓની ગરિમામય હાજરી

હિસાર : ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI) તરીકે પદભાર સંભાળ્યા બાદ જસ્ટિસ સૂર્યકાંત શનિવારે જ્યારે તેમના પૈતૃક ગામ પેટવાડ પહોંચ્યા, ત્યારે આખું ગામ હિલોળે ચઢ્યું હતું. વર્ષો પહેલા જે ગામની ગલીઓમાં રમીને અને જે પ્રાથમિક શાળામાં ભણીને એક બાળક મોટું થયું, તે આજે દેશની સર્વોચ્ચ અદાલતના વડા બનીને પરત ફરતા ગ્રામજનોની આંખમાં ખુશીના આંસુ અને હોઠ પર ગૌરવનું સ્મિત હતું.

ઢોલના તાલે નાચતા ગ્રામજનો અને ભવ્ય સ્વાગત

ન્યાયાધીશ સૂર્યકાંતના આગમનને વધાવવા માટે પેટવાડ ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. ગામની સરહદથી જ તેમનું સ્વાગત ફૂલહાર અને ઢોલ-નગારાના નાદ સાથે કરવામાં આવ્યું હતું. ગ્રામજનોએ ઢોલના તાલે નાચીને પોતાના લાડકા પુત્રનું સ્વાગત કર્યું. CJI એ પણ પ્રોટોકોલને બાજુ પર મૂકીને પોતાના જૂના મિત્રો અને વડીલોને હૃદયપૂર્વક મળ્યા હતા અને ગામમાં મેળવેલા પ્રારંભિક શિક્ષણના દિવસો યાદ કર્યા હતા.

ન્યાય ક્ષેત્રે નવી સિદ્ધિ: હિસારને મળી નવી કોર્ટ

વતન પ્રેમના આ અવસરે CJI એ જનતાને મોટી ભેટ પણ આપી હતી. તેમણે કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલની હાજરીમાં હિસારના બરવાલામાં નવી બનેલી આધુનિક કોર્ટ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું અને હાંસીમાં નવા કોર્ટ સંકુલનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે પંજાબ-હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ શીલ નાગુ અને હરિયાણા સરકારના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા.

 “સસ્તો અને સુલભ ન્યાય એ જ અમારૂ લક્ષ્ય”

એક વિશાળ જનસભાને સંબોધતા CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, "નવી અદાલતો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય નાગરિકને ન્યાય મેળવવા માટે દૂર ન જવું પડે. સોમવારથી જ બરવાલા અને નારનૌંદમાં ન્યાયિક કામકાજ શરૂ થઈ જશે, જેનાથી સામાન્ય માણસનો સમય અને નાણાં બંને બચશે." તેમણે ન્યાયિક પ્રણાલીને વધુ સરળ અને ટેકનોલોજીથી સજ્જ બનાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ CJI સૂર્યકાંતના ગામ પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો અને જણાવ્યું હતું કે ગ્રામીણ પૃષ્ઠભૂમિમાંથી આવીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવું એ કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે.

(11:51 PM IST)