<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

જમ્મુમાં પ્રજાસત્તાક દિવસ પૂર્વે ડ્રોનનો આતંક: બે દિવસમાં ત્રણ ઘટનાઓથી ભયનો માહોલ

સાંબા સેક્ટરમાંથી હથિયારોનો જથ્થો અને આરએસ પુરામાંથી નેનો ડ્રોન મળ્યા બાદ હવે જમ્મુના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ મચી

જમ્મુ: જમ્મુ - કાશ્મીરમાં પ્રજાસત્તાક દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે આતંકી તત્વો દ્વારા ડ્રોન પ્રવૃત્તિઓમાં વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા બે દિવસમાં ડ્રોન સંબંધિત ત્રણ ઘટનાઓ સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. સાંબા સેક્ટરમાંથી હથિયારોનો જથ્થો અને આરએસ પુરામાંથી નેનો ડ્રોન મળ્યા બાદ હવે જમ્મુના રહેણાંક વિસ્તારમાં શંકાસ્પદ વસ્તુ મળતા દોડધામ મચી ગઈ હતી.

 

પ્રદેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના આરે જમ્મુમાં વિધ્વંસકારી તત્વો દ્વારા શરૂ કરાયેલા ‘ડ્રોન ખેલ’ને કારણે દહેશતનો માહોલ સર્જાયો છે. છેલ્લા બે દિવસમાં બનેલી ત્રણ ઘટનાઓ શંકા ઉપજાવે છે કે આ તત્વો ગણતંત્ર દિવસ પર કોઈ મોટા કાવતરાને અંજામ આપવાની ફિરાકમાં છે.

 

આજે જમ્મુના ગોરખા નગર વિસ્તારમાં ત્યારે ભય ફેલાઈ ગયો જ્યારે સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશન બાગ-એ-બાહુના અધિકાર ક્ષેત્ર હેઠળના એક નાળા પાસે એક શંકાસ્પદ વસ્તુ પડેલી જોઈ, જેમાં ડ્રોન હોવાની આશંકા હતી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વસ્તુ જોયા બાદ રહીશોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી. માહિતી મળતા જ બાગ-એ-બાહુ પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને શંકાસ્પદ વસ્તુને સુરક્ષિત કરી હતી. વસ્તુનું સ્વરૂપ અને તે ક્યાંથી આવી તે જાણવા માટે તેને કબજે કરી વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે.

 

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ જમ્મુ સરહદને અડીને આવેલા સાંબા વિસ્તારમાં શંકાસ્પદ ડ્રોન ગતિવિધિ બાદ આંતરરાષ્ટ્રીય સરહદ પાસેના પલૂરા ગામમાંથી હથિયારો અને દારૂગોળાનો જથ્થો કબજે કરી મોટી સફળતા મેળવી હતી. સત્તાવાર સૂત્રો મુજબ, ગઈકાલે મોડી રાત્રે સ્થાનિકોએ એક ડ્રોનને લગભગ બે મિનિટ સુધી વિસ્તારમાં ઉડતું જોયું હતું અને સુરક્ષા દળોને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

 

ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ બે પિસ્તોલ, એક હેન્ડ ગ્રેનેડ, ત્રણ મેગેઝીન અને પિસ્તોલની લગભગ ૧૬ ગોળીઓ કબજે કરી હતી. આ જપ્તીને વિસ્તારમાં હથિયારોની તસ્કરી દ્વારા આતંક ફેલાવના પ્રયાસને નિષ્ફળ બનાવવાના રૂપમાં જોવામાં આવી રહી છે. ડ્રોનનો સિલસિલો અહીં જ અટક્યો નથી; અધિકારીઓએ જણાવ્યું કે સુરક્ષા દળોએ એક શંકાસ્પદ નેનો ડ્રોન પણ કબજે કર્યું છે જે જમ્મુ જિલ્લાના સરહદી વિસ્તારમાં પડેલું મળી આવ્યું હતું. આ ડ્રોન ગુરુવારે રાત્રે આરએસ પુરાના ચકરોઈના સરહદી વિસ્તારમાંથી એક સ્થાનિક નાગરિકની બાતમીના આધારે મળી આવ્યું હતું. આ અંગે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

(10:24 AM IST)