<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

બારામુલામાં ફરજ પરના જવાનનું લપસી પડતાં મોત: ગુલમર્ગમાં બરફમાં દટાયેલા બે પોર્ટરના મૃતદેહ મળ્યા

બારામુલામાં પેટ્રોલીંગ દરમિયાન જવાન ખીણમાં ખાબક્યો હતો, જ્યારે ગુલમર્ગમાં રસ્તો ઓળંગતી વખતે બે પોર્ટર નો નાળામાં ગરકાવ થયો

શ્રીનગર: ઉત્તર કાશ્મીરમાં ભારે બરફવર્ષા અને લપસણી જમીનને કારણે બે અલગ અલગ દુર્ઘટનાઓમાં સેનાના એક જવાન અને બે પોર્ટરના મોત થયા છે. બારામુલામાં પેટ્રોલીંગ દરમિયાન જવાન ખીણમાં ખાબક્યો હતો, જ્યારે ગુલમર્ગમાં રસ્તો ઓળંગતી વખતે બે પોર્ટર નાળામાં ગરકાવ થયા હતા.

 

બારામુલા જિલ્લાના શેરી વિસ્તારમાં રાત્રિના પેટ્રોલીંગ ડ્યુટી પર જતી વખતે ઊંચાઈ પરથી લપસીને નીચે પડવાથી સેનાના એક જવાનનું મોત થયું છે. બીજી તરફ, ભારતીય સેના સાથે કામ કરતા બે પોર્ટરના મૃતદેહો, જે બારામુલા જિલ્લાના ઉપરી ગુલમર્ગ વિસ્તાર પાસે એક નાળામાં લપસી ગયા હતા, તેમને રાતભર ચાલેલા સર્ચ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવ્યા છે.

 

સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે મૃતક સેનાના જવાનની ઓળખ હરિયાણાના રહેવાસી હીરા લાલ તરીકે થઈ છે, અને તેઓ ફતેહગઢ, શેરી કેમ્પમાં તૈનાત હતા. જવાન ભૂલથી લપસીને ઊંચાઈ પરથી નીચે પડ્યા હતા, ત્યારબાદ તેઓ બેભાન હાલતમાં મળ્યા હતા અને તેમને તાત્કાલિક ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બારામુલા લઈ જવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીએમસી બારામુલાના શબઘરમાં રાખવામાં આવ્યો છે.

 

દરમિયાન, અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ગુલમર્ગના ઉપરી વિસ્તારમાં નાળામાં લપસી ગયેલા બે પોર્ટરના મૃતદેહો પણ મળી આવ્યા છે. મૃતકોની ઓળખ લિયાકત અહેમદ દીદાર (૨૭), અને ઈશફાક અહેમદ ખટાના (૩૩) તરીકે થઈ છે. આ ઘટના ગુરુવારે બની હતી જ્યારે પોર્ટર ‘અનીતા પોસ્ટ’ તરફ જઈ રહ્યા હતા, જે એક ફોરવર્ડ એરિયા છે અને ભારે બરફવર્ષાને કારણે શિયાળામાં સંપર્કવિહોણો રહે છે. બરફથી ઢંકાયેલા અને લપસણા રસ્તાને પાર કરતી વખતે, બંનેનું સંતુલન બગડ્યું અને તેઓ નાળામાં પડી ગયા હતા. સેના અને સ્થાનિક બચાવ ટીમોએ ખરાબ હવામાન હોવા છતાં રાતભર ઓપરેશન ચલાવીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

(10:34 AM IST)