News of Sunday, 11th January 2026
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ અને આસપાસના વિસ્તારમાં પક્ષીઓને ચણ કે પ્રાણીઓને ખોરાક આપવા પર પ્રતિબંધ: ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી થશે
કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું: સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતા જાળવવા અને ગંદકી તથા ઉંદરોનો ઉપદ્રવ રોકવા માટે રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તાર અને તેને જોડતા રસ્તાઓ પર પશુ-પક્ષીઓને ખાવાનું આપવા પર તાત્કાલિક અસરથી રોક લગાવવામાં આવી

અમદાવાદ શહેરની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટ પર હવેથી મુલાકાતીઓ કે પશુ પ્રેમીઓ પક્ષીઓને ચણ કે શ્વાન તથા અન્ય પ્રાણીઓને ખોરાક આપી શકશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) ના કેટલ ન્યૂસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ (સી એન સી ડી) દ્વારા આ અંગે સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના અનુસાર, રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટે આ પગલું ભરવું અનિવાર્ય બન્યું હતું.
તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે નાગરિકો દ્વારા કબૂતર સહિતના પક્ષીઓને ચણ નાખવામાં આવે છે અને સ્ટ્રીટ ડોગ્સને બિસ્કિટ કે રોટલી ખવડાવવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે રિવરફ્રન્ટના વોક-વે અને બગીચાઓમાં મોટા પાયે ગંદકી ફેલાય છે. પક્ષીઓની ચણના કારણે ઉંદરોનો ત્રાસ પણ ભયજનક હદે વધી ગયો છે, જે રિવરફ્રન્ટની મિલકતો અને ફૂલ-છોડને નુકસાન પહોંચાડી રહ્યા છે.
આ ઉપરાંત, ખુલ્લામાં ફેંકવામાં આવતા ખોરાકને કારણે રોગચાળો ફેલાવવાની અને પક્ષીઓ દ્વારા ફેલાતા બર્ડ ફ્લૂ જેવા રોગોની ભીતિ પણ સેવાઈ રહી છે.
આ આદેશ માત્ર રિવરફ્રન્ટના મુખ્ય ભાગ પૂરતો સીમિત નથી, પરંતુ રિવરફ્રન્ટને જોડતા તમામ મુખ્ય રસ્તાઓ અને ત્યાં આવેલી ખુલ્લી જગ્યાઓ પર પણ લાગુ પડશે. હવેથી આ વિસ્તારમાં પશુ-પક્ષીઓને ખોરાક આપવો કે વેચવો તે ગુનો ગણાશે.
કોર્પોરેશનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ વ્યક્તિ આ આદેશનો ભંગ કરતા જણાશે તો તેમની સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને કાયદેસરના પગલાં લેવામાં આવશે.
આ નિર્ણયનો અમલ કરાવવા માટે રિવરફ્રન્ટ પર સિક્યુરિટી અને સી એન સી ડી ની ટીમોને ખાસ વોચ રાખવા સૂચના આપવામાં આવી છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
