News of Sunday, 11th January 2026
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત પ્રવાસમાં સોમનાથમાં સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી અને રાજકોટમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન અને આવતીકાલે સોમવારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદમાં રોડ-શો અને દ્વિપક્ષીય બેઠકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસની શરૂઆત સોમનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના સાથે કરી હતી. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણના ૧૦૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'સોમનાથ સ્વાભિમાન પર્વ'માં તેઓ સહભાગી થયા હતા. આ પ્રસંગે સોમનાથના આકાશમાં ૩૦૦૦ ડ્રોન દ્વારા ભવ્ય લાઈટ શો યોજવામાં આવ્યો હતો. વડાપ્રધાન હવે રાજકોટ ખાતે અત્યારે બપોરે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરી રહ્યા છે અને ત્યારબાદ આવતીકાલે સોમવારે જર્મન ચાન્સેલર સાથે અમદાવાદની મુલાકાત લેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શનિવારે સાંજે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવી પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અન્ય અગ્રણી નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન મોદીએ સોમનાથ મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી હતી અને ટ્રસ્ટના ચેરમેન તરીકે મંદિર પરિસરના વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. સોમનાથ મંદિર પર ઈ.સ. ૧૦૨૬માં મહમદ ગઝનવી દ્વારા કરવામાં આવેલા આક્રમણ અને લૂંટના ૧૦૦૦ વર્ષ વીત્યા બાદ, ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાન અને ગૌરવના પ્રતીક રૂપે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે મંદિર પરિસરમાં ૭૨ કલાક સુધી સતત 'ઓમકાર' મંત્રના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાત્રિના સમયે અરબી સમુદ્રના કિનારે ૩૦૦૦ જેટલા ડ્રોન દ્વારા એક અદભુત લાઈટ શો રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં ભગવાન શિવ, સોમનાથ મંદિરનો ઇતિહાસ અને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને આકાશમાં જીવંત કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, સોમનાથ એ આપણી સંસ્કૃતિના સાહસ અને શૌર્યનું પ્રતીક છે. રવિવારે સવારે વડાપ્રધાને ૧૦૮ ઘોડાઓ સાથેની ભવ્ય 'શૌર્ય યાત્રા'માં ભાગ લીધો હતો, જે મંદિરની રક્ષા માટે બલિદાન આપનારા વીરોની સ્મૃતિમાં યોજવામાં આવી હતી.
સોમનાથની મુલાકાત બાદ વડાપ્રધાન રાજકોટ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજન માટેના 'વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અને ટ્રેડ શોનું ઉદ્ઘાટન અત્યારે બપોરે કરી રહ્યા છે.
રાજકોટમાં તેઓ વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ આપ્યા બાદ આવતીકાલે સોમવારે ૧૨મી જાન્યુઆરીએ જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે અમદાવાદમાં રોડ-શો અને દ્વિપક્ષીય બેઠકો યોજશે.
(12:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
