News of Sunday, 11th January 2026
સાઇબિરીયાના બરફીલા સ્મશાનમાં 'જીવતી' મમી: 300 વર્ષ જૂની મહિલાનો દેહ જોઈ વિજ્ઞાનીઓ સ્તબ્ધ, DNA ટેસ્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
માઇનસ 50 ડિગ્રી ઠંડીમાં થીજી ગયેલું 18મી સદીનું રહસ્ય: રશિયન આક્રમણ અને ધર્મ પરિવર્તનના તોફાન વચ્ચે પણ યાકુત જાતિએ પોતાની સંસ્કૃતિને બરફની જેમ સાચવી રાખી, સદીઓ પછી પણ મૃતદેહનું શબપરીક્ષણ કરી શકાય તેવી કુદરતી મમીની અદભૂત શોધ

યાકુત્સ્ક (સાઇબિરીયા):સાઇબિરીયાના હાડ થીજવતી દે તેવી ઠંડીના પેટાળમાંથી વિજ્ઞાનીઓને એક એવો ખજાનો મળ્યો છે, જેણે ઇતિહાસના પાના ઉથલાવી દીધા છે. સંશોધકોને બરફના થર નીચેથી 100 થી વધુ પ્રાચીન મૃતદેહો મળ્યા છે, જે 14મી થી 19મી સદી વચ્ચેના હોવાનું મનાય છે. આ શોધમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર 18મી સદીની એક મહિલાનો દેહ છે, જેને વિજ્ઞાનીઓએ 'Usergue-1' નામ આપ્યું છે. સાઇબિરીયાની કાતિલ ઠંડીએ કુદરતી રીતે આ શરીરોને એવી રીતે સાચવ્યા છે કે 300 વર્ષ પછી પણ તે આજે મૃત્યુ પામ્યા હોય તેવા તાજા દેખાય છે. આ મમીઓને જોઈને વિજ્ઞાનીઓ પણ બૂમ પાડી ઉઠ્યા હતા, કારણ કે આટલા વર્ષો પછી પણ શરીરના અંગો અને ચામડી અકબંધ છે.
નેચર જર્નલમાં પ્રકાશિત આ સંશોધને દુનિયાભરના ઇતિહાસકારોનું ધ્યાન ખેંચ્યું છે. જે સમયે રશિયન સામ્રાજ્યનો પ્રભાવ વધી રહ્યો હતો અને ખ્રિસ્તી ધર્મનો જોરશોરથી પ્રસાર થઈ રહ્યો હતો, તેવા કપરા કાળમાં પણ યાકુત જાતિના લોકોએ પોતાની પ્રાચીન પરંપરાઓનો ત્યાગ કર્યો નહોતો. 'Usergue-1' નામની મહિલાનો મૃતદેહ તેની જાતિની અડગ શક્તિનું પ્રતીક બનીને સામે આવ્યો છે. વિજ્ઞાની લુડોવિક ઓર્લાન્ડોના મતે, આ મહિલાને જે રીતે દફનાવવામાં આવી હતી અને તેની સાથે જે પરંપરાગત વસ્તુઓ મળી છે, તે સાબિત કરે છે કે બાહ્ય દબાણ છતાં આ લોકોએ પોતાની સંસ્કૃતિને આંચ આવવા દીધી નહોતી.
જ્યારે આ પ્રાચીન મૃતદેહોના ડીએનએ (DNA) પરીક્ષણ કરવામાં આવ્યા, ત્યારે વિજ્ઞાનીઓના આશ્ચર્યનો પાર રહ્યો નહોતો. સંશોધનમાં ખુલાસો થયો છે કે 500 વર્ષ પહેલાંના યાકુતો અને આજના આધુનિક યાકુત લોકોના ડીએનએમાં કોઈ મોટો તફાવત નથી. રશિયાએ આ વિસ્તાર જીત્યો અને સદીઓ સુધી શાસન કર્યું હોવા છતાં, ત્યાંના મૂળ રહેવાસીઓના લોહીમાં બહારના લોકોનું મિશ્રણ થયું નથી. આ બાબત દર્શાવે છે કે યાકુત સમાજ સામાજિક રીતે કેટલો મજબૂત અને પોતાની ઓળખ પ્રત્યે કેટલો સભાન રહ્યો હશે.
સાઇબિરીયાની ક્રૂર ઠંડીએ અહીં એક 'ટાઇમ કેપ્સ્યુલ' જેવું કામ કર્યું છે. વિજ્ઞાની એરિક ક્રુબેજીએ સમજાવ્યું કે બરફના કારણે આ શરીરોમાં સડો થવાની પ્રક્રિયા અટકી ગઈ હતી, જેનાથી તે આપમેળે મમી બની ગયા. આ મૃતદેહો એટલા વાસ્તવિક છે કે સદીઓ પછી પણ તેનું શબપરીક્ષણ (Autopsy) કરીને તે સમયના રોગો અને ખાનપાન વિશેની સચોટ માહિતી મેળવી શકાય છે. પૃથ્વી પર કુદરતી રીતે સચવાયેલા આ મૃતદેહો માનવ ઉત્ક્રાંતિ અને સાંસ્કૃતિક સંઘર્ષની એક જીવંત મિસાલ પૂરી પાડી રહ્યા છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
