<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th January 2026

ઈરાનમાં સતત ત્રીજી રાત્રે પ્રચંડ જનઆક્રોશ : 'સરમુખત્યારનો નાશ થાઓ'ના નારા સાથે રસ્તાઓ પર ઉતરી આવ્યું માનવ મહેરામણ

તેહરાનમાં સુરક્ષા દળોના અંધાધૂંધ ગોળીબારમાં પિતાનું મોત, પુત્રની નજર સામે જ ખેલાયો લોહિયાળ ખેલ : સૈન્યને મેદાનમાં ઉતારવાની સરકારની ધમકી છતાં પ્રદર્શનકારીઓ ઝૂકવા તૈયાર નથી

તેહરાન : ઈરાનમાં છેલ્લા બે અઠવાડિયાથી શરૂ થયેલું સરકાર વિરોધી આંદોલન હવે અત્યંત હિંસક અને વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. શુક્રવારે રાત્રે સતત ત્રીજી રાત્રિએ સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ પ્રદર્શનો થયા હતા. તેહરાન સહિતના મુખ્ય શહેરોમાં હજારો લોકોએ સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનેઈ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકારી દમન વધવા છતાં અને સૈન્યને રસ્તા પર ઉતારવાની ધમકી મળવા છતાં, પ્રદર્શનકારીઓ પાછા હટવાને બદલે વધુ આક્રમક રીતે લડત આપી રહ્યા છે.
પિતા-પુત્ર પર ગોળીબારની હૃદયદ્રાવક ઘટના:
રાજધાની તેહરાનની સડકો પર શાંતિપૂર્ણ કૂચ કરી રહેલા લોકો પર સુરક્ષા એજન્ટોએ અચાનક હુમલો કર્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રસ્તાના ખૂણે ઉભેલા એક આધેડ વયના વ્યક્તિ અને તેમના કિશોર વયના પુત્ર પર સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં પિતાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રત્યક્ષદર્શી પરિસાએ જણાવ્યું કે, જ્યારે તે વ્યક્તિ જૂતાની દોરી બાંધવા નીચે નમ્યો, ત્યારે કદાચ સુરક્ષા દળોને લાગ્યું કે તે હથિયાર કાઢી રહ્યો છે અને તેમણે ગોળી ચલાવી દીધી. પિતાના મોત બાદ પુત્રની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું, જે બાદ ઉશ્કેરાયેલા લોકોએ સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હતો.
ભય વચ્ચે પણ આંદોલન યથાવત:
તેહરાન અને અન્ય શહેરોમાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ઓફિસો અને કાર્યસ્થળો પર લોકોમાં ડર અને ચિંતાનો માહોલ છે, છતાં પ્રદર્શનકારીઓનો જુસ્સો ઓછો થયો નથી. હેરાવી સ્ક્વેર જેવા વિસ્તારોમાં હજારોની મેદની એટલી મોટી હતી કે તેની શરૂઆત અને અંત જોવો મુશ્કેલ હતો. લોકો તાળીઓના ગડગડાટ અને લયબદ્ધ સૂત્રોચ્ચાર સાથે 'ડેથ ટુ ધ ડિક્ટેટર' (સરમુખત્યારનો નાશ થાઓ) ના નારા લગાવી રહ્યા છે.
સરકારી દમન અને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ:
ઈરાન સરકારે દેખાવોને ડામવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પર અનેક પ્રતિબંધો લાદ્યા છે, તેમ છતાં વિરોધના વીડિયો સતત વાયરલ થઈ રહ્યા છે. ઈરાની સૈન્યએ આ અશાંતિને ડામવા માટે ટૂંક સમયમાં જ રસ્તા પર ઉતરવાની જાહેરાત કરી છે, જેનાથી આગામી દિવસોમાં હિંસા વધવાની ભીતિ સેવાઈ રહી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ દ્વારા આ વિરોધ પ્રદર્શનોની પુષ્ટિ કરવામાં આવી છે.
વૈશ્વિક સમુદાય પણ ઈરાનની આ સ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને નાગરિકો પર થઈ રહેલા દમનની આકરી ટીકા કરી રહ્યો છે.

(11:23 PM IST)