<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છને નવી ઓળખ મળી છે, વિશ્વને ભારતમાં રોકાણ કરવાનો આજ સાચો સમય છેઃ નરેન્દ્રભાઈ મોદી

રાજકોટમાં મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજિનલ સમિટ ને સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે સૌરાષ્ટ્ર કચ્છ માં નવી ૧૩ સ્માર્ટ જીઆઇડીસી બનશેઃ રાજકોટ, મોરબી, જામનગરનું ત્રિકોણીય મીની જાપાન બનશે એ સપનું સાચું થતા હું મારી નજરે જોઉં છું

 

રાજકોટઃ રાજકોટના મારવાડી યુનિવર્સિટ ખાતે યોજાઈ રહેલી વાઈબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેમ છો? કહી સંબોધનની શરૃઆત કરતા જણાવ્યું કે, ૨૦૨૬ના આરંભ બાદ આ ગુજરાતનો પહેલો પ્રવાસ છે. સુખદ એટલે પણ કહી શકાય કે, તેની યાત્રા સોમનાથ દાદાના ચરણમાં શિશ ઝૂકાવીને થઈ છે. હું રાજકોટમાં આ શાનદાર કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યો છું, વિકાસ પણ અને વિરાસત પણ... આ મંત્ર ચારે બાજુ ગુંજી રહ્યો છે.

જ્યારે પણ વાઇબ્રન્ટ સમિટનો મંચ સજે છે ત્યારે મને સમિટ નથી દેખાતી મને ૨૧મી સદીના આધુનિક ભારતની યાત્રા જોવા મળે છે. જે સપનાથી શરૃ થઈ અને આજે એક અતૂટ ભરોસા સુધી પહોંચી ગઈ છે. ૨ દાયકાની આ યાત્રા ગ્લોબલ બેન્ચમાર્ક બની ગઈ છે. ૧૦ એડિશન થઈ ગઈ છે. દરેક એડિશન સાથે સમિટની ઓળખ અને ભૂમિકા મજબૂત થતા રહ્યા છે.

વીતેલા વર્ષોમાં ગ્લોબલ પાર્ટનરની સંખ્યા વધતી ગઈ છે. આ સમિટ સમાવેશીનું મોટું ઉદાહરણ છે. કોર્પોરેટ્સની સાથે સાથે સહકારી, MSME, સ્ટાર્ટ અપ્સ, ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સ સૌ સાથે ચર્ચા કરે છે અને ખભેખભો મિલાવીને ચાલે છે. ૨ દાયકામાં કંઈક નવું અને વિશેષ કર્યું છે. રિજનલ સમિટ પણ તેનું એક ઉદાહરણ છે. તેનું ફોકસ ગુજરાતના વિવિધ પ્રદેશના સામર્થ્યને પર્ફોર્મન્સમાં બદલવાનું છે. કયાંક લાંબી ટ્રાઇબલ બેલ્ટ છે તો કયાંક ખેતી-પશુપાલન છે.

'આજે આ સમિટ ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કો-ઓપરેશન અને પાર્ટનરશિપનું મજબૂત પ્લેટફોર્મ ??' હું પહેલા દિવસથી આયોજન સાથે જોડાયેલો રહ્યો છું. શરૃઆતમાં ગુજરાતના સામર્થ્યથી દુનિયા પરિચિત હોય એ તેનો હેતુ હતો. આજે આ સમિટ ગ્લોબલ ગ્રોથ, ઇન્ટરનેશનલ કો-ઓપરેશન અને પાર્ટનરશિપનું મજબૂત પ્લેટફોર્મ બની ગઈ છે.

૨૧મી સદીનો ચોથો ભાગ વીતી ગયો છે. ભારતે આ ગાળામાં ખૂબ પ્રગતિ પણ કરી છે. તેમાં ગુજરાતની મોટી ભૂમિકા રહી છે. ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા આગળ વધી રહ્યું છે. જે આંકડા આવી રહ્યા છે તે સ્પષ્ટ છે કે, ભારત પ્રત્યે દુનિયાની આશાઓ વધી રહી છે. ભારત દુનિયાની સૌથી ઝડપથી વિકસતિ ઇકોનોમી છે. મોંઘવારી કાબૂમાં છે. ભારત દૂધ ઉત્પાદનમાં નંબર વન છે. જેનેરિક મેડિસિનમાં નંબર વન છે.

મેં લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે, યહી સમય હૈ, સહી સમય હૈ. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ પણ રોકાણકારોને એ જ સંદેશ આપે છે કે, યહી સમય હૈ, સહી સમય હૈ.

આ ક્ષેત્ર ભારતની ગ્રોથનું એન્કર રિજીયન બની ગયું છે. આત્મનિર્ભર ભારતનું મોટું સેન્ટર છે. આ જ વાત રોકાણકારો માટે સૌથી મોટો ભરોસો બને છે. રાજકોટમાં જ ૨.૫૦ લાખ MSME છે. રોકેટ, એરોપ્લેનના પાર્ટ રાજકોટમાં બને છે.

સૌરાષ્ટ્રના ન્યૂઝ પેપરવાળા હાજર હશે. એકવાર મેં કહેલું કે હું જોઈ શકું છું કે, મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિનિ જાપાન બનશે. ત્યારે મારી બહુ મજાક ઉડાવી હતી. આજે મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું.

ઉપરોકત તસ્વીરોમાં વાઈબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, બાજુમાં મુખ્યમંૅત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી નજરે પડે છે. અન્ય તસ્વીરોમાં વાઈબ્રન્ટમાં વિવિધ કંપનીઓલના સ્ટોલ નિહાળતા વડાપ્રધાન શ્રી મોદી નજરે પડે છે. નીચેની તસ્વીરમાં વિદેશી રોકાણકારો દર્શાય છે. જ્યારે બાજુની તસ્વીરોમાં નરેન્દ્રભાઈ મોદી, ભુપેન્દ્રભાઈ પટેલ, હર્ષ સંઘવી, રીલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, વજુભાઈ વાળા સહિતના ઉદ્યોગપતિઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(11:41 AM IST)