<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

CJI નો ભાજપ નેતા પર જોરદાર કટાક્ષ: "અમને લાગ્યું તમારો દીકરો ગોલ્ડ મેડલ લાવશે, પણ તે તો PIL ના રવાડે ચઢ્યો!"

સુપ્રીમ કોર્ટમાં કાયદાના વિદ્યાર્થીની અરજી પર સુનાવણી દરમિયાન જજની હળવી ટકોર, પિતા-પુત્રની જોડી જોઈ સીજેઆઈ પણ હસી પડ્યા

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક એવો કિસ્સો બન્યો જેમાં ગંભીર કાયદાકીય ચર્ચાઓની વચ્ચે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતની બેન્ચ સામે જ્યારે એક લો સ્ટુડન્ટે જાહેર હિતની અરજી (PIL) કરી, ત્યારે જજોએ તેની નાની ઉંમર અને પિતા દ્વારા થતા પ્રતિનિધિત્વને લઈને રમુજી ટિપ્પણીઓ કરી હતી.
શું હતો આખો મામલો?
આ અરજી ભાજપના નેતા અને જાણીતા વકીલ અશ્વિની ઉપાધ્યાયના પુત્ર નીતિન ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી હતી. નીતિન પોતે હજુ કાયદાનો અભ્યાસ કરી રહ્યો છે. જ્યારે અશ્વિની ઉપાધ્યાયે પોતાના પુત્ર વતી દલીલો શરૂ કરી, ત્યારે CJI સૂર્યકાંતે તેમને અટકાવીને પૂછ્યું, "શું આ તમારો દીકરો છે?" અશ્વિનીજીએ 'હા' પાડતા જ CJI એ કટાક્ષ કરતા કહ્યું, "અમને એમ હતું કે તે ભણી-ગણીને ગોલ્ડ મેડલ લાવશે, પરંતુ તે તો અત્યારથી જ PIL ના ચક્કરમાં ફસાઈ ગયો છે!"
કોર્ટે વિદ્યાર્થીને શું શિખામણ આપી?
CJI એ યુવા નીતિન સામે જોઈને હસતા હસતા પૂછ્યું કે, "તમે અત્યારે અભ્યાસ કેમ નથી કરતા?" આ દરમિયાન બેન્ચના અન્ય જજ જસ્ટિસ જોયમલ્યા બાગચીએ પણ રમૂજમાં ઉમેરો કરતા કહ્યું કે, "અમે નોટિસ જારી કરી રહ્યા છીએ, પણ માત્ર તમારા પુત્ર માટે... જેથી તે હવે શાંતિથી ભણી શકે!" આ સાંભળીને આખું કોર્ટરૂમ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું.
શા માટે કરવામાં આવી હતી આ PIL?
આ અરજીમાં ૧૯૫૪ ના 'ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ એક્ટ' ને પડકારવામાં આવ્યો છે. અરજદારની દલીલ છે કે આ કાયદો ખૂબ જૂનો થઈ ગયો છે અને તે આધુનિક વિજ્ઞાન સાથે મેળ ખાતો નથી. ખાસ કરીને આયુષ ડોક્ટરોને એલોપેથિક ડોક્ટરોની જેમ જ સમાન દરજ્જો આપવાની અને ભ્રામક જાહેરાતોના કાયદામાં સુધારો કરવાની માંગ કરવામાં આવી છે.
અદાલતે આ મામલે કેન્દ્ર સરકાર, આરોગ્ય મંત્રાલય અને આયુષ મંત્રાલય પાસેથી જવાબ માંગ્યો છે. જોકે, કોર્ટની આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અશ્વિની ઉપાધ્યાય અને તેમના પુત્રની આ જોડી ચર્ચાનું કેન્દ્ર બની છે.

(5:59 PM IST)