સંસદમાં 'સ્મોકિંગ' ડ્રામા: TMC સાંસદ કીર્તિ આઝાદ લોકસભામાં ઈ-સિગારેટના કથિત ધુમાડા કાઢતા ઝડપાયા, સ્પીકર ઓમ બિરલાએ કહ્યું- "ગૃહની ગરિમા બગાડનારાને સજા તો થશે જ!"
ભાજપ નેતા અનુરાગ ઠાકુરની ફરિયાદ અને વાયરલ વીડિયોએ રાજકીય ગરમાવો વધાર્યો; કીર્તિ આઝાદ સામે કડક શિસ્તભંગના પગલાં લેવાની તૈયારીમાં સંસદીય સમિતિ

નવી દિલ્હી: દેશની સર્વોચ્ચ લોકશાહીના મંદિર સમાન સંસદ ભવનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સાંસદ કીર્તિ આઝાદ પર લોકસભાની ચાલુ કાર્યવાહી દરમિયાન 'વેપિંગ' એટલે કે ઈ-સિગારેટ પીવાનો ગંભીર આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ લાલ આંખ કરી છે અને સંકેત આપ્યા છે કે ગૃહની ગરિમા જાળવવામાં નિષ્ફળ રહેલા સાંસદ સામે ટૂંક સમયમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
વાયરલ વીડિયોએ મચાવ્યો હોબાળો
આ સમગ્ર વિવાદ ત્યારે વકર્યો જ્યારે ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર ૩૫ સેકન્ડનો એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં કીર્તિ આઝાદ લોકસભાની અંદર બેસીને પોતાના જમણા હાથને મોં પાસે લાવીને કંઈક પીતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે આ અંગે લેખિત ફરિયાદ નોંધાવતા કહ્યું કે, "ગૃહમાં બેઠા હોવા છતાં સાંસદ ખુલ્લેઆમ ઈ-સિગારેટનો ઉપયોગ કરી રહ્યા હતા, જે ત્યાં હાજર અન્ય સભ્યોએ પણ જોયું છે."
સ્પીકરની કડક ચેતવણી
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે આ અંગે કડક વલણ અપનાવતા કહ્યું કે, "તપાસની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. કોઈ પણ વ્યક્તિને સંસદની મર્યાદાઓ તોડવાની છૂટ આપી શકાય નહીં. જે સાંસદ શિષ્ટાચારનું પાલન નહીં કરે, તેને નિયમો મુજબ ચોક્કસ સજા કરવામાં આવશે." તેમણે વધુમાં ઉમેર્યું કે સાંસદોની જવાબદારી છે કે તેઓ ગૃહની અંદર શિષ્ટાચાર જાળવી રાખે.
શું છે કાયદો?
ભારતમાં 'પ્રોહિબિશન ઓફ ઈલેક્ટ્રોનિક સિગારેટ એક્ટ, ૨૦૧૯' હેઠળ ઈ-સિગારેટનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. આવી સ્થિતિમાં, એક જવાબદાર સાંસદ દ્વારા જ કાયદાના ઉલ્લંઘનના આક્ષેપોએ તૃણમૂલ કોંગ્રેસને પણ ભીંસમાં મૂકી છે. હવે જોવાનું એ રહેશે કે સંસદીય સમિતિ આ મામલે કીર્તિ આઝાદ સામે સસ્પેન્શન જેવી કોઈ મોટી કાર્યવાહી કરે છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
