બેંગલુરુમાં સિલિકોન વેલીને હચમચાવતી ઘટના: ૩૪ વર્ષીય મહિલા સોફ્ટવેર એન્જિનિયરની કરપીણ હત્યા, ૧૮ વર્ષના પાડોશી યુવકે આદરેલું 'ડેવિલ' કૃત્ય
શરૂઆતમાં આગની દુર્ઘટના લાગતો કિસ્સો નીકળ્યો આયોજિત મર્ડર: જાતીય માંગણીનો પ્રતિકાર કરતા ટેક્નિશિયનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પુરાવા નાશ કરવા ફ્લેટને લગાડી આગ

બેંગલુરુ: દેશની આઈટી રાજધાની બેંગલુરુમાં એક એવી ઘટના બની છે જેણે મહિલાઓની સુરક્ષા પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે. એક ૩૪ વર્ષીય મહિલા સોફ્ટવેર પ્રોફેશનલ શર્મિલા કુશલપ્પાની તેના જ ફ્લેટમાં પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો તપાસમાં બહાર આવી છે. આરોપી માત્ર ૧૮ વર્ષનો કિશોર છે, જેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
શોર્ટ સર્કિટ નહીં પણ મર્ડરનું ષડયંત્ર
લગભગ એક અઠવાડિયા પહેલા જ્યારે શર્મિલાનો મૃતદેહ તેના એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો ત્યારે આખું ઘર સળગેલું હતું. શરૂઆતમાં પોલીસ અને ફાયર બ્રિગેડને લાગ્યું કે શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં ગૂંગળામણને કારણે મહિલાનું મોત થયું છે. પરંતુ ફોરેન્સિક રિપોર્ટે આખી વાર્તા બદલી નાખી. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું કે મહિલાનું મોત આગ પહેલા જ ગૂંગળામણથી થયું હતું અને કોઈએ ઇરાદાપૂર્વક પુરાવા ભૂંસવા માટે આગ લગાડી હતી.
બારીમાંથી પ્રવેશ્યો ‘કાળ’
પોલીસની તપાસની સોય પાડોશમાં રહેતા ૧૮ વર્ષીય કરનાલ કુરાઈ તરફ વળી હતી. પૂછપરછમાં જે વિગતો બહાર આવી તે ભયાનક હતી. ઘટનાની રાત્રે ૯ વાગ્યે આરોપી કુરાઈ, જે તેની માતા સાથે પાડોશના ફ્લેટમાં રહેતો હતો, તે સ્લાઇડિંગ બારીમાંથી શર્મિલાના ફ્લેટમાં છૂપી રીતે પ્રવેશ્યો હતો. તેણે મહિલા પાસે જાતીય સંબંધની માંગણી કરી હતી. શર્મિલાએ તેનો સખત પ્રતિકાર કરતા કુરાઈ ઉશ્કેરાઈ ગયો હતો.
પુરાવા નાશ કરવાનો નિષ્ફળ પ્રયાસ
આરોપીએ શર્મિલાનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. હત્યા કર્યા બાદ તે ગભરાઈ ગયો હતો અને પકડાઈ જવાના ડરથી તેણે ફ્લેટમાં આગ લગાડી દીધી જેથી પોલીસને તે અકસ્માત લાગે. જોકે, બેંગલુરુ પોલીસની સતર્કતા અને ટેકનિકલ તપાસને કારણે આરોપી બચી શક્યો નહીં. પોલીસે આરોપી કુરાઈની ધરપકડ કરી લીધી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટનાએ હાઈ-પ્રોફાઈલ એપાર્ટમેન્ટ્સમાં રહેતા લોકોની સુરક્ષા અને સામાજિક માનસિકતા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
