આર્જેન્ટિનાના જંગલોમાં કુદરતનો પ્રકોપ: પેટાગોનિયામાં ૧૫,૦૦૦ હેક્ટર જમીન બળીને ખાખ, વિશ્વના સૌથી પ્રાચીન વૃક્ષો પર તોળાઈ રહ્યું છે જોખમ
આબોહવા પરિવર્તન અને ૬૦ વર્ષના સૌથી ભયાનક દુષ્કાળને કારણે આગે લીધું રૌદ્ર સ્વરૂપ: ૩,૦૦૦ પ્રવાસીઓનું તાત્કાલિક સ્થળાંતર, ૫૦૦થી વધુ અગ્નિશામકો મેદાને

રાજકોટ : દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનામાં કુદરતી હોનારતે માથું ઉચક્યું છે. આર્જેન્ટિનાના સુંદર અને નયનરમ્ય પેટાગોનિયા પ્રદેશમાં જંગલની આગ (Wildfire) બેકાબૂ બની છે. અત્યાર સુધીમાં ૧૫,૦૦૦ હેક્ટર એટલે કે આશરે ૩૭,૦૦૦ એકર જેટલો વિશાળ હરિયાળો વિસ્તાર રાખમાં ફેરવાઈ ગયો છે. આ આગ માત્ર પર્યાવરણ જ નહીં, પણ ત્યાંના સ્થાનિક સમુદાયો અને પ્રવાસન ઉદ્યોગ માટે પણ મોટો ખતરો બની ગઈ છે.
દુષ્કાળ અને ગરમીએ આગમાં ઘી હોમ્યું
ચુબુટ અને સાન્ટા ક્રુઝ પ્રાંતમાં લાગેલી આ આગ પાછળ આબોહવા પરિવર્તન અને દાયકાઓનો સૌથી ભયાનક દુષ્કાળ જવાબદાર માનવામાં આવે છે. ગવર્નર ઇગ્નાસિયો ટોરેસે ચેતવણી આપતા જણાવ્યું હતું કે, આ પ્રદેશ ૧૯૬૫ પછીના સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યો છે. આગ એટલી વિકરાળ છે કે લોસ એલર્સેસ નેશનલ પાર્ક, જે તેના હજારો વર્ષ જૂના વૃક્ષો માટે જાણીતું છે, તે પણ હવે જોખમમાં છે.
યુદ્ધના ધોરણે બચાવ કામગીરી
આગને કાબૂમાં લેવા માટે ૫૦૦થી વધુ અગ્નિશામકો, બચાવકર્તાઓ અને પોલીસ જવાનો ખડેપગે છે. રવિવારે પડેલા હળવા વરસાદે થોડી રાહત આપી છે, પરંતુ સ્થિતિ હજુ પણ ગંભીર છે. દુર્ભાગ્યવશ, આગ ઓલવવાની કામગીરીમાં જોડાયેલા એક સ્વયંસેવક અગ્નિશામક ગંભીર રીતે દાઝી ગયા છે અને હાલમાં હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે.
પ્રવાસીઓ અને રહેવાસીઓમાં ફાળ
ઉનાળાની સીઝન હોવાથી આ પ્રદેશ પ્રવાસીઓથી ભરેલો હતો, પરંતુ પરિસ્થિતિ બગડતા તાત્કાલિક ધોરણે ૩,૦૦૦ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આગની ઝપેટમાં આવવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૧૦ ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં પણ આ પ્રદેશે ૩૨,૦૦૦ હેક્ટર જંગલ ગુમાવ્યું હતું, જે દર્શાવે છે કે આ વિસ્તારમાં જંગલની આગ હવે એક ગંભીર વાર્ષિક સમસ્યા બની રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
